તમે વિશ્વાસુ બન્યા તે પહેલાં તમે જે જીવનજીવતા હતા તેને યાદ કરો. તમે તમારી જાતને પ્રભાવિત થવા દઈને તમે મૂર્તિપૂજા તરફ દોરવાઈ ગયા હતા. તે વસ્તુઓની પૂજા કે જેનામાં કોઈ જીવન હોતું નથી.
તેથી હું તમને કહું છું કે દેવના આત્માની મદદ વડે બોલનાર વ્યક્તિ ઈસુને શાપપાત્ર કહેતો નથી; અને કોઈ પણ વ્યક્તિ પવિત્ર આત્માની મદદ વગર એમ ન કહી શકે કે, “ઈસુ જ પ્રભુ છે.”
સેવાકાર્યના વિવિધ માર્ગો છે, પરંતુ આ બધાજ માર્ગો એ જ પ્રભુ પાસેથી મેળવેલા છે. દેવ લોકોમાં વિવિધ પ્રકારે કાર્યો કરે છે, પરંતુ આ દરેક પ્રકારો તો એક જ પ્રભુ તરફથી મેળવેલા છે.
આ જ આત્મા વડે બીજી વ્યક્તિને ચમત્કારો કરવાનું સાર્મથ્ય, તો અન્યને પ્રબોધ કરવાની ક્ષમતા અને અન્ય વ્યક્તિને સારા અને ખરાબ આત્માઓ વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા પ્રદાન કરે છે. આ જ આત્મા એક વ્યક્તિને વિવિધ ભાષાઓ બોલવાની ક્ષમતા, તો બીજી વ્યક્તિને તે ભાષાઓના અર્થઘટન કરવાની ક્ષમતા પ્રદાન કરે છે.
આપણમાંના કેટલાએક યહૂદિ છીએ તો કેટલાએક ગ્રીક લોકો; આપણામાંના કેટલાએક ગુલામ છીએ તો કેટલાએક સ્વતંત્ર. પરંતુ આપણે બધાજ એક જ આત્મા દ્વારા એક જ શરીરમાં બાપ્તિસ્મા પામેલા છીએ અને આપણને બધાને તે જ એક આત્મા પ્રદાન કરવામાં આવ્યો છે.
(18-19) પણ દેવે દરેક અવયવને પોતાની મરજી પ્રમાણે શરીરમાં ગોઠવેલો છે. જો દરેક ભાગ જુદા હોય તો શરીર શરીર રહેતું નથી. પરંતુ દેવે દરેક માટે સ્થાન નિશ્ચિત કર્યુ છે. આપણા શરીરના ઘણા અવયવોને તેની ઈચ્છા પ્રમાણે ગોઠવ્યા છે. જો સર્વ એક અવયવ હોત તો શરીર ક્યાં હોત?
અને શરીરના એ અવયવો કે જેમને આપણે ખાસ મૂલ્યવાન નથી ગણતા તેમની જ આપણે વિશિષ્ટ દરકાર કરીએ છીએ. અને શરીરના એ અવયવો કે જે આપણે પ્રદર્શિત કરવા નથી ઈચ્છતા તેમની આપણે વિશિષ્ટ દરકાર કરીએ છીએ.
ખરેખર તો આપણા શરીરના સૌથી સુંદર ભાગોને કોઈ વિશિષ્ટ કાળજીની જરુંર પડતી નથી. પણ જે ભાગ ને ઓછું માન અપાયું હતું તેને દેવે વિશેષ માન આપીને વ્યવસ્થિત રીતે શરીરમાં જોડ્યા છે.
અને મંડળીમાં દેવે પ્રેરિતોને પ્રથમ સ્થાન, પ્રબોધકોને દ્વિતીય સ્થાન અને તૃતીય સ્થાન ઉપદેશકને આપેલું છે. પછી દેવે જે લોકો ચમત્કારો કરે છે તેઓને માટે પણ એક સ્થાન નિશ્ચિત કર્યુ છે. અને તે જ રીતે જે લોકોની પાસે રોગીઓને સાજા કરવાની ક્ષમતા છે, જે લોકો અન્યને મદદરુંપ થાય છે, જે લોકોમાં અગ્રેસરનો ગુણ છે અને જે લોકો વિવિધ ભાષાઓ બોલે છે તેઓને માટે પણ દેવે કોઈ એક સ્થાન નિશ્ચિત કર્યુ છે.