ભાઈઓ અને બહેનો, ભૂતકાળમાં હું તમારી સાથે વાતચીત નહોતો કરી શક્યો જે રીતે હું આધ્યાત્મિક માણસો સાથે વાતચીત કરું છું. મારે તમારી સાથે દુન્યવી માણસોની રીતે વાતચીત કરવી પડેલી-ખ્રિસ્તમાં બાળકોની જેમ.
જે શિક્ષણ મેં તમને આપેલું તે દૂધ જેવું હતું, અને નક્કર આહાર જેવું ન હતું. મેં આમ કર્યુ કારણ કે નક્કર આહાર માટે તમે તૈયાર ન હતા. અને અત્યારે પણ તમે નક્કર આહાર માટે તૈયાર નથી.
તમારામાંનો એક કહે છે કે, “હું પાઉલને અનુસરું છું.” અને કોઈ વ્યક્તિ કહે છે કે, “હું અપોલોસને અનુસરું છું.” જ્યારે તમે આવી બાબતો કહો છો, ત્યારે તમે દુન્યવી માણસો જેવું જ વર્તન કરો છો.
શું આપોલોસ મહત્વપૂર્ણ છે? ના! શું પાઉલ મહત્વપૂર્ણ છે? ના! અમે તો ફક્ત દેવના સેવકો છીએ જેણે તમને વિશ્વાસ કરવામાં મદદ કરી. અમારામાંના પ્રત્યેક જણે દેવે અમને જે કામ સોંપ્યું હતું તે કર્યુ.
તેથી જે વ્યક્તિ વાવણી કરે છે તે મહત્વપૂર્ણ નથી. અને જે વ્યક્તિ જળસિંચન કરે છે તે પણ મહત્વપૂર્ણ નથી. ફક્ત દેવ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે જ બીજને અંકુરિત કરે છે.
એક કુશળ કારીગરની જેમ મેં મકાનનો પાયો નાખ્યો. આમ કરવા માટે મેં દેવે આપેલા કૃપાદાનનો ઉપયોગ કર્યો.બીજા લોકો તે પાયા પર બાંધકામ કરી રહ્યા છે. પણ દરેક વ્યક્તિએ તે કેવી રીતે બાંધે છે તેની કાળજી રાખવી જોઈએ.
પરંતુ પ્રત્યેક વ્યક્તિ જે કામ કરશે તે સ્પષ્ટપણે દેખાશે કારણ કે તે દિવસ તેને પ્રગટ કરશે. તે દિવસઅગ્રિની જવાળાઓ સહિત પ્રગટ થશે અને અગ્રિ પ્રત્યેક વ્યક્તિના કાર્યને પારખશે.
તમારી જાતને મૂર્ખ ન બનાવો. જો તમારામાંનો કોઈ એમ વિચારે કે દુનિયામાં તે જ્ઞાની છે, તો તેણે જ્ઞાની થવા મૂર્ખ બનવું. પછી જ તે વ્યક્તિ વાસ્તવમાં જ્ઞાની બની શકશે.
શા માટે? કારણ કે આ દુનિયાનું જ્ઞાન તો દેવ માટે મૂર્ખતા સમાન છે કારણ કે તે શાસ્ત્રલેખમાં લખેલ છે કે, “તે જ્ઞાની માણસોને જ્યારે તેઓ પ્રપંચો કરે છે, ત્યારે પકડે છે.”