યહૂદિઓ ઈસુનું પરીક્ષણ કરવા આ પ્રશ્નનો ઉપયોગ કરતાં હતા, તેઓ ઈસુને કંઈક ખોટું કહેતા પકડવા ઈચ્છતા હતા. પછી તેઓ તેની વિરુંદ્ધ આરોપ મૂકી શકે. પણ ઈસુએ નીચા વળીને તેની આંગળી વડે જમીન પર લખવાનું શુરું કર્યું.
યહૂદિ અધિકારીઓએ ઈસુને તેઓના પ્રશ્ન પૂછવાનું ચાલુ રાખ્યું. તેથી ઈસુ ઊભો થયો અને કહ્યું, “શું અહીં કોઈ એવી વ્યક્તિ છે જેણે કદી પાપ ના કર્યું હોય? જે વ્યક્તિએ પાપ કર્યું ના હોય તે આ સ્ત્રી પર પહેલો પથ્થર મારે.”
જે લોકોએ ઈસુને સાંભળ્યો તેઓ એક પછી એક વિદાય થયા. વૃદ્ધ માણસો પ્રથમ છોડી ગયા, અને પછી બીજા ગયા. ઈસુને ત્યાં તે સ્ત્રી સાથે એકલા છોડી ગયા. હજુ તે ત્યાં ઊભી રહી છે.
તે સ્ત્રીએ ઉત્તર આપ્યો, “પ્રભુ, તેમાંના કોઈએ મને દોષિત ઠરાવી નથી.”પછી ઈસુએ કહ્યું, “તેથી હું પણ તને દોષિત ઠરાવતો નથી. તું હવે જઈ શકે છે, પણ ફરીથી પાપ કરીશ નહિ.”
પરંતુ ફરોશીઓએ ઈસુને કહ્યું, “જ્યારે તું તારી જાત વિષે કહે છે ત્યારે તું જ ફક્ત એક એકલો એવો છે જે આ વાતો સાચી છે એમ કહે છે. તેથી અમે આ વાતો જે તું કહે છે તે અમે સ્વીકારી શકીએ તેમ નથી.”
ઈસુએ ઉત્તર આપ્યો, “હા, હું મારી જાત વિષે આ વાતો કહું છું. પરંતુ હું જે વાતો કહું છું, તે લોકો માની શકશે. શા માટે? કારણ કે હું ક્યાંથી આવ્યો તે હું જાણુ છું, અને હું ક્યાં જાઉં છું તે પણ હું જાણું છું, હું તમારા લોકો જેવો નથી. હું ક્યાંથી આવ્યો છું. અને ક્યાં જાઉં છું તે જાણતા નથી.
જ્યારે ઈસુ મંદિરમાં ઉપદેશ આપતો હતો, ત્યારે તેણે આ બાબતો કહી. જ્યાં બધા લોકો પૈસા આપવા આવતા હતા. તે જગ્યાની નજીક તે હતો. પરંતુ કોઈ વ્યક્તિએ તેને પકડ્યો નહિ. ઈસુ માટેનો યોગ્ય સમય હજુ આવ્યો ન હતો.
તેથી યહૂદિઓએ તેમની જાતે પૂછયુ, “તમે ધારો છો કે ઈસુ આત્મહત્યા કરશે? તો પછી આ બાબત હોવી જોઈએ. કારણ કે તેણે કહ્યું, “હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકશો નહિ.”
મારી પાસે તમારા વિષે કહેવાની ઘણી બાબતો છે. હું તમારો ન્યાય કરી શકું છું તો પણ જેણે મને મોકલ્યો છે અને મેં તેની પાસેથી જે વાતો સાંભળી છે તે જ ફક્ત હું લોકોને કહું છું અને તે સત્ય કહું છું.”
તેથી ઈસુએ લોકોને કહ્યું, “તમે માણસના દીકરાને ઊચો કરશો (મારી નાખશો) પછી તમે હું તે જ છું તે તમે જાણી શકશો અને હું મારી પોતાની જાતે કઈ કરતો નથી પણ જેમ પિતાએ જે મને શીખવ્યું છે, તેમ હું એ વાતો તમને કહું છું.
તેથી તમારા પિતાએ જે કંઈ કર્યુ તે તમે કરો છો.”પણ યહૂદિઓએ કહ્યું, “અમે એના જેવા બાળકો નથી કે જે તેઓએ કદી જાણ્યું ન હોય કે તેમનો પિતા કોણ છે. દેવ અમારો પિતા છે. અમારો તે માત્ર એક જ પિતા છે.”
ઈસુએ પેલા યહૂદિઓને કહ્યું, “જો દેવ ખરેખર તમારા પિતા હોત, તો તમે મારા પર પ્રેમ રાખત; હું દેવમાંથી નીકળીને આવ્યો છું. અને હવે હું અહીં છું. હું મારી પોતાની સત્તાથી આવ્યો નથી. દેવે મને મોકલ્યો છે.
તમારો પિતા શેતાન છે, અને તમે તેના દીકરા છો. તે જે ઈચ્છે છે તે કરવા તમે ઈચ્છો છો. શેતાન શરુંઆતથી જ ખૂની હતો. શેતાન હંમેશા સત્યથી વિરૂદ્ધ છે અને તેથી તેનામાં સત્ય નથી. જૂઠું બોલવું તે તેનો સ્વભાવ છે. હા, તે જુઠો છે. અને તે જૂઠાનો બાપ છે.
યહૂદિઓએ ઉત્તર આપ્યો, “અમે કહીએ છીએ કે તું સમરૂની છે, અમે કહીએ છીએ કે તારામાં શેતાન પ્રવેશ્યો છે. અને તને ગાંડો બનાવ્યો છે! અમે આ બાબત કહીએ છીએ ત્યારે શું અમે સાચા નથી?”
યહૂદિઓએ ઈસુને કહ્યું, “હવે અમે જાણીએ છીએ કે તારામાં શેતાન પ્રવેશ્યો છે! ઈબ્રાહિમ અને પ્રબોધકો પણ મૃત્યુ પામ્યા. પણ તું કહે છે કે, ‘જે વ્યક્તિ મારાં વચનોને પાળશે તે કદી મૃત્યુ પામશે નહિ.’
ઈસુએ ઉત્તર આપ્યો, “જો હું મારી જાતને માન આપું તો પછી તે આદરની કોઈ કિંમત નથી. જે એક મારો આદર કરે છે તે મારો પિતા છે. અને તમે દાવો કરો છો કે તે તમારો દેવ છે.
પણ ખરેખર તમે તેને ઓળખતા નથી. હું તેને ઓળખું છું. જો હું કહું કે હું તેને જાણતો નથી, તો પછી હું તમારા જેવો જૂઠો ઠરું. પણ હું તેને ઓળખું છું અને તે જે કહે છે તેનું હું પાલન કરું છું.