પ્રિય ભાઈઓ અને બહેનો, જ્યારે હું તમારી પાસે આવ્યો ત્યારે મેં તમારી સમક્ષ દેવ વિષેનું સત્ય પ્રગટ કર્યુ. પણ મેં સુશોભિત વચનો કે ઉત્કૃષ્ટ જ્ઞાનનો ઉપયોગ કર્યો ન હતો.
જે લોકો પરિપકવ છે તેમને અમે જ્ઞાનનો ઉપદેશ શીખવીએ છીએ, પરંતુ જે જ્ઞાન અમે આપીએ છીએ તે આ દુનિયાનું નથી. તે આ દુનિયાના શાસકોનું જ્ઞાન નથી કે જે શાસકો તેમની સત્તા ગુમાવી રહ્યા છે.
પરંતુ અમે દેવના રહસ્યપૂર્ણ જ્ઞાન વિષે કહીએ છીએ કે જે જ્ઞાન લોકોથી છુપાવવામાં આવ્યું હતું. દેવે આ જ્ઞાન આપણા જ મહિમા માટે આયોજિત કરેલું. જગતનાં પ્રારંભ પૂર્વેથી દેવે આ યોજના કરેલી.
પરંતુ જે રીતે શાસ્ત્રમાં લખ્યું છે તે રીતે, “નથી આંખે જોયું, નથી કાને સાભળ્યું, નથી કોઈ વ્યક્તિએ કલ્પના કરી કે તે લોકો જેઓ તેને પ્રેમ કરે છે તેમના માટે દેવે શું તૈયાર કર્યુ છે.” યશાયા 64:4
તે આ પ્રમાણે છે: કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિના વિચારો જાણી શક્તી નથી. ફક્ત તે વ્યક્તિમાં રહેલો આત્મા જ તે વિચારો જાણી શકે છે. દેવ સાથે પણ આમ જ છે. દેવના વિચારો કોઈ જાણી શકતું નથી. ફક્ત દેવનો આત્મા જ તે વિચારો જાણે છે.
જગતના આત્માને તો આપણે પ્રાપ્ત કરી શક્યા નથી, પરંતુ દેવ તરફથી પ્રાપ્ત થયેલા આત્માને આપણે મેળવ્યો છે. આપણે આ આત્મા પ્રાપ્ત કર્યો છે, તેથી દેવે આપેલી વસ્તુઓને આપણે જાણી શકીએ છીએ.
જે વ્યક્તિ આત્મિક નથી તે દેવના આત્મા તરફથી આવતી બાબતોનો સ્વીકાર કરતી નથી. તે વ્યક્તિ તે બધી બાબતો મૂર્ખામી ભરેલી ગણે છે. તે વ્યક્તિ આત્માની બાબતો સમજી શકતી નથી, કારણ કે તે બાબતો આધ્યાત્મિક રીતે જ મૂલવી શકાતી હોય છે.