યહોવા કહે છે; “પહેલા કદી મારા વિષે જાણવાની કાળજી કરી નહોતી એવા લોકો હવે મને શોધી રહ્યા છે. પહેલા કદી મને તેઓ શોધતા નહોતા, છતાં હું તેમને મળવા તૈયાર હતો. એ પ્રજા મને નામ દઇને પોકારતી નહોતી છતાં મેં તેમને કહ્યું કે, ‘આ રહ્યો હું. આ રહ્યો હું.’
“હું તેઓના પાપોનો જ નહિ પરંતુ તેઓના પિતૃઓના પાપોનો પણ બદલો તેઓને આપીશ. કારણ કે તેઓએ પણ પર્વતો પર ધૂપ બાળ્યો છે અને ટેકરીઓ પર મારું અપમાન કર્યું છે. હું તેઓના અપરાધોનો પૂરો બદલો વાળી આપીશ.”
યહોવા કહે છે, “જેમ ઝૂમખામા નવો દ્રાક્ષારસ મળે છે ત્યારે, તેનો નાશ કરશો માં, કારણ કે તેમાં આશીર્વાદ છે, એમ લોકો કહે છે; તેમ હું મારા સેવકોને માટે કરીશ, જેથી તે સર્વ લોકોનો નાશ ન થાય.
તેથી તમને તો હું તરવારને ઘાટ ઉતારીશ. તમારા બધાની હત્યા કરવામાં આવશે, કારણ, મેં તમને બોલાવ્યા પણ તમે જવાબ ન આપ્યો; હું બોલ્યો, પણ તમે કાને ન ધર્યું. મારી નજરમાં જે ખોટું હતું તે તમે કર્યું અને મને જે પસંદ નહોતું તે તમે પસંદ કર્યું.”
છતાં દેશમાં જે કોઇ વ્યકિત બીજા કોઇને આશીર્વાદ આપશે, તે તે વ્યકિતને સત્ય દેવને નામે આશીર્વાદ આપશે. જે કોઇ દેશમાં સમ ખાશે તે, વિશ્વાસપાત્ર દેવના નામના સમ ખાશે. કારણ પહેલાની મુશ્કેલીઓ ભૂલાઇ ગઇ હશે અને મારી આંખથી સંતાઇ ગઇ હશે.”
પરંતુ હું જે સર્જું છું, તેથી તમે ખુશ થઇને સદા આનંદોત્સવ કરો, કારણ, હું એક યરૂશાલેમનું સર્જન કરીશ, જે મારા માટે આનંદ લાવશે અને જેના લોકો મારાથી ખુશખુશાલ હશે.
ત્યાં નવાં જન્મેલા બાળકો થોડા દિવસ જીવીને મૃત્યુ પામશે નહિ; પૂરું આયુષ્ય ભોગવ્યા વિના કોઇ વૃદ્ધ મૃત્યુ પામશે નહિ; અને સો વરસ પૂરાં ન જીવવું એ શાપરૂપ મનાશે.
કોઇ ઘર બાંધે ને કોઇ વસે, કોઇ વાડી રોપે ને કોઇ ખાય એવું નહિ બને. વૃક્ષની જેમ મારા લોકો લાંબું જીવશે. મારા અપનાવેલા લોકો પોતાના પરિશ્રમના ફળ ભોગવવા પામશે.
વરૂ તથા ઘેટાનું બચ્ચું સાથે ચરશે, સિંહ બળદની જેમ કડબ ખાશે, અને ઝેરી સપોર્ કદી ડંખ મારશે નહિ! મારા આખા પવિત્ર પર્વતમાં તેઓ ઉપદ્રવ કરશે નહિ ને વિનાશ કરશે નહિ.” એમ યહોવા કહે છે.