પ્રીતિ એ એવી બાબત છે કે જેના માટે તમારે પ્રયત્ન કરવો જોઈએ. અને ખરેખર તમારે આત્મિક દાનની અભિલાષા રાખવી જોઈએ. એ બધામાં સૌથી વધુ પ્રબોધ કરવાની અભિલાષા રાખવી જોઈએ.
તે શા માટે તે હું સમજાવીશ: જે વ્યક્તિમાં વિવિધ ભાષાઓ બોલવાની ક્ષમતા છે તે લોકોને સંબોધતા નથી પરંતુ તે દેવને સંબોધે છે. તે વ્યક્તિને કોઈ સમજી શકતું નથી. કારણ કે આત્મા થકી તે મર્મો વિષે બોલે છે.
તમારા બધામાં વિવિધ ભાષા બોલવાની ક્ષમતા હોય તે મને ગમશે. પરંતુ તમારી પ્રબોધ કરવાની ક્ષમતા મને વધુ ગમશે. પ્રબોધક વિવિધ ભાષી કરતાં વધુ મહાન છે. જે વ્યક્તિ વિવિધ ભાષી છે તે પ્રબોધક જેવો જ છે, જો તે બધી ભાષાઓનું અર્થઘટન કરી શકે, કે જેથી તેનું ઉદબોધન મંડળીઓને મદદરુંપ થાય.
ભાઈઓ અને બહેનો, જુદી-જુદી ભાષા બોલીને હું તમારી પાસે આવું તો તમને મદદરુંપ બનીશી? ના! જ્યારે હું નૂતન સત્ય કે થોડો પ્રબોધ, કે થોડો ઉપદેશ લઈને આવું ત્યારે તે તમને ઉપયોગી થશે.
અર્થ વગર વિવિધ ભાષામાં બોલવું તે નિર્જીવ વસ્તુઓ દ્વારા કરવામાં આવતા ધ્વનિ સમાન છે જેમ કે વાંસળી કે વીણા. જો સંગીતના વિવિધ સૂરને સુસ્પષ્ટ ન કરવામાં આવે તો કયું ગીત વાગે છે તેનો ભેદ સમજી શકશો નહિ. સૂરને તમે સાચી રીતે સમજી શકો તે માટે પ્રત્યેક સ્વર સ્પષ્ટ રીતે વગાડવો જોઈએ.
તમારી સાથે પણ આમ જ છે. બધી ભાષાઓમાં બોલાયેલા શબ્દો સ્પષ્ટ હોવા જોઈએ, નહિ તો તમે શું કહેવા માગો છો તે કોઈ પણ વ્યક્તિ સમજી શકશે નહિ, અને તમે માત્ર હવામાં વાતો કરતા રહી જશો!
તો મારે શું કરવું જોઈએ? હું મારા આત્મા સાથે પ્રાર્થના કરીશ. પણ હું મારા મન સાથે પણ પ્રાર્થના કરીશ. હું મારા આત્મા સાથે ગાઈશ. પણ હું મારા મન સાથે પણ ગાઈશ.
તમારા આત્મા થકી તમે દેવનો મહિમા ભલે ગાતા હો, પરંતુ એક વ્યક્તિ સમજ્યા વગર તમારી આભારસ્તુતિની પ્રાર્થનાને “આમીન” નહિ કહી શકે. શા માટે? કારણ કે તે સમજતો નથી કે તમે શું કહી રહ્યા છો.
પરંતુ મંડળીની સભામાં તો વિવિધ ભાષાના હજારો શબ્દો બોલવાને બદલે હું જેને સમજી શકું છું તેવા માત્ર પાંચ શબ્દો જ બોલીશ. હું મારી સમજ પ્રમાણે બોલવાનું પસંદ કરું છું કે જેથી હું બીજા લોકોને ઉપદેશ આપી શકું.
પવિત્રલેખમાં લખ્યું છે કે: “જે લોકો જુદા પ્રકારની ભાષા બોલે છે તેમની અને વિદેશીઓની વાણીનો ઉપયોગ કરીને હું લોકોને ઉદબોધન કરીશ પરંતુ તેમ છતાં આ લોકો મને કબૂલ કરશે નહિ.” યશાયા 28:11-12 પ્રભુ આમ કહે છે.
ધારો કે આખી મંડળી ભેગી મળે અને સભામાં તમે બધા જુદી-જુદી ભાષાઓ બોલો, ત્યારે નહિ સમજનારા કે વિશ્વાસ વગરના કેટલાએક લોકો ત્યાં આવે તો તેઓ તમને કહેશે કે તમે ઘેલા છો.
પરંતુ ધારો કે તમે બધા પ્રબોધ કરી રહ્યા છો ત્યારે વિશ્વાસ વગરની બહારની કોઈ વ્યક્તિ ત્યાં આવે તો જ્યારે તમે પ્રબોધ કરી રહ્યા છો ત્યારે તે વ્યક્તિના પાપ તમે દર્શાવશો અને તમે બધા જે કહો છો તેનાથી તે વ્યક્તિનો ન્યાય થશે.
તે વ્યક્તિના હૃદયની રહસ્યમય વાત પ્રકાશમાં આવશે અને પરિણામે તે વ્યક્તિ નમન કરીને દેવનું ભજન કરશે અને કહેશે કે, “ખરેખર, દેવ તમારી સાથે છે.” તમારી સભા મંડળીને મદદરૂપ થવી જોઈએ
તો ભાઈઓ અને બહેનો, તમારે શું કરવું જોઈએ? જ્યારે તમે મળો ત્યારે એક વ્યક્તિ ગીત ગાવા માટે હોય, બીજી વ્યક્તિએ બોધ આપવાનો હોય, બીજી વ્યક્તિ દેવ તરફથી પ્રગટેલા નૂતન સત્યને દર્શાવતી હોય, જ્યારે અન્ય વ્યક્તિ અન્ય ભાષા બોલતી હોય અને બીજી વ્યક્તિ આ ભાષાનું અર્થઘટન કરતી હોય. આ બધીજ બાબતોનો મૂળભૂત હેતુ મંડળીઓને વધુ શક્તિશાળી બનાવવાનો હોવો જોઈએ.
જ્યારે તમે એકત્રિત થાઓ અને કોઈ વ્યક્તિ સમૂહને અન્ય ભાષામાં ઉદબોધિત કરે ત્યારે બે કે વધુમાં વધુ ત્રણથી વધારે માણસોએ ન બોલવું જોઈએ. અને તેઓએ એક પછી એક બોલવું જોઈએ અને બીજી વ્યક્તિએ તે જે બોલે છે તેનું અર્થઘટન કરવું જોઈએ.
પરંતુ ત્યાં કોઈ પણ અર્થઘટન કરનાર ન હોય તો મંડળીની સભામાં અન્ય ભાષામાં બોલનારે શાંત રહેવું જોઈએ. તે વ્યક્તિએ માત્ર પોતાની જાતને અને દેવને ઉદબોધન કરવું જોઈએ.
સ્ત્રીઓએ મંડળીની સભાઓમાં શાંત રહેવું જોઈએ. દેવના લોકોની બધી જ મંડળીઓમાં આમ જ હોવું જોઈએ. મૂસાનો નિયમ કહે છે તે પ્રમાણે સ્ત્રીઓને બોલવાની છૂટ ન આપવી જોઈએ અને તેમણે નિયંત્રણમાં રહેવું જોઈએ.
જો કોઈ પણ વ્યક્તિ એમ ધારતી હોય કે તે પોતે પ્રબોધક છે અથવા તેને આત્મિક દાન મળેલું છે, તો તે વ્યક્તિએ સમજવાની જરુંર છે કે તમને જે આ હું લખું છું તે પ્રભુનો આદેશ છે.