હેરોદે પિતરને પકડીને બંદીખાનામાં મૂક્યો. 16 સૈનિકોનો સમૂહ પિતરનું રક્ષણ કરતો. પાસ્ખાપર્વના ઉત્સવ પછી રાહ જોવાની હેરોદની ઈચ્છા હતી. પછી તેણે પિતરને લોકોની આગળ લાવવાની યોજના કરી.
પિતર બે સૈનિકોની વચમાં ઊંઘતો હતો. તેને બે સાંકળો વડે બાંધવામાં આવ્યો હતો. ઘણા સૈનિકો જેલના દરવાજે ચોકી કરતા હતા. તે રાત્રે હેરોદે બીજા દિવસે પિતરને લોકો આગળ રજૂ કરવાની યોજના કરી.
પિતર અને દૂતે પહેલી અને બીજી ચોકી વટાવી. પછી તેઓ લોખંડના દરવાજા પાસે આવ્યા. તે દરવાજાથી તેઓ છૂટા પડ્યા. દરવાજો તેને માટે જાતે જ ઊધડી ગયો, પિતર અને દૂત દરવાજામાંથી ગયા અને એક મહોલ્લામાં ચાલ્યા. પછી દૂત તરત જતો રહ્યો.
પછી શું બન્યું હતું તેનું ભાન પિતરને થયું. તેણે વિચાર્યુ, “હવે મને ખબર પડી કે પ્રભુએ ખરેખર તેના દૂતને મારી પાસે મોકલ્યો હતો. તેણે મને હેરોદથી બચાવ્યો. યહૂદિ લોકોએ વિચાર્યુ કે મારી સાથે ખરાબ થવાનું હતું પરંતુ પ્રભુએ મને આ બધી બાબતોમાંથી બચાવ્યો છે.”
જ્યારે પિતરને આ સમજાયું ત્યારે, તે મરિયમને ઘરે ગયો. તે યોહાનની મા હતી. (યોહાનનું બીજું નામ માર્ક હતું.) ઘણા માણસો ત્યાં ભેગા થયા હતા. તેઓ બધા પ્રાર્થના કરતા હતા.
પિતરે તેના હાથના ઇશારાથી તેઓને શાંત રહેવા કહ્યું. તેણે તેઓને સમજાવ્યું કે પ્રભુ તેને કેવી રીતે બંદીખાનામાંથી બહાર લાવ્યો. તેણે કહ્યું, “જે કંઈ બન્યું છે તે યાકૂબને તથા બીજા ભાઈઓને કહો.” પછી પિતર બીજી કોઇ જગ્યાએ જવા માટે ચાલ્યો ગયો.
હેરોદે પિતરની શોધ દરક સ્થળે કરાવી પણ તેને શોધી શક્યા નહિ. તેથી હેરોદે ચોકીદારોને પ્રશ્રો પૂછયા અને તેણે ચોકીદારોને મારી નાખવાનો હુકમ કર્યો.પાછળથી હેરોદે યહૂદિયા છોડ્યું. તે કૈસરિયા શહેરમાં ગયો અને થોડો સમય ત્યાં રહ્યો.
હેરોદ તૂરના તથા સિદોન શહેરોના લોકો પર ઘણો જ ગુસ્સે હતો. તે બધા લોકો સમૂહમાં હેરોદ પાસે આવ્યા. તેઓ તેઓના પક્ષમાં બ્લાસ્તસને લેવા શક્તિમાન હતા. બ્લાસ્તસ રાજાનો ખાનગી સેવક હતો. લોકોએ હેરોદને શાંતિ માટે પૂછયું, કારણ કે તેઓના દેશને ખોરાકના પૂરવઠા માટે હેરોદના પ્રદેશ પર આધાર રાખવો પડતો હતો.