હું જ્યારે બીજીવાર તમારી સાથે હતો, ત્યારે જે લોકોએ પાપકર્મો કરેલા તેમને ચેતવણી આપી હતી. અત્યારે હું તમારાથી દૂર છું, અને બીજા બધા લોકો જેમણે પાપ કર્યા છે તેમને ચેતવણી આપું છું: જ્યારે ફરીથી હું તમારી પાસે આવીશ, ત્યારે તમારા પાપીકર્મો માટે હું તમને શિક્ષા કરીશ.
તે સાચું છે કે જ્યારે ખ્રિસ્તને વધસ્તંભ પર મારી નાંખ્યો ત્યારે તે નિર્બળ હતો. પરંતુ અત્યારે તે દેવના સાર્મથ્ય વડે જીવિત છે. અને તે સાચું છે કે ખ્રિસ્તમય આપણે નિર્બળ છીએ. પરંતુ તમારા માટે, દેવના સાર્મથ્ય વડે અમે ખ્રિસ્તમાં જીવિત હોઈશું.
તમે પોતાને ધ્યાનથી જુઓ. તમે વિશ્વાસમાં છો કે નહિ તેની પરીક્ષા કરો. તમે જાણો છો કે ઈસુ ખ્રિસ્ત તમારામાં જીવે છે. પરંતુ જો તમે પરીક્ષામાં નિષ્કળ જશો, તો ખ્રિસ્ત તમારામાં સમાવિષ્ટ નથી.
અમે દેવને પ્રાર્થના કરીએ છીએ કે તમે કોઈ દુષ્કર્મો ન કરો. તે મહત્વનું નથી કે અમારી પરીક્ષણની સફળતા લોકો જુએ. પરંતુ એ મહત્વનું છે કે તમે જે યોગ્ય છે તે જ કરો, પછી ભલેને લોકો વિચારે કે અમે પરીક્ષણ માં નિષ્ફળ ગયા છીએ.
હું જ્યારે તમારી સાથે નથી ત્યારે આ વાતો લખું છું. હું લખું છું જેથી જ્યારે હું આવું ત્યારે તમને શિક્ષા કરવા માટે મારા સાર્મથ્યનો ઉપયોગ ના કરવો પડે. પ્રભુએ મને તે સાર્મથ્ય તમને પ્રબળ કરવા આપ્યું છે નહિ કે તમારો ધ્વંશ કરવા.
હવે, ભાઈઓ અને બહેનો, હું વિદાય લઈશ. સંપૂર્ણ થવાનો પ્રયત્ન કરજો. મેં તમને જે કરવાનું કહ્યું છે તે કરજો. એકબીજા સાથે માનસિક રીતે સહમત થાઓ અને શાંતિમાં રહો. પછી પ્રેમ અને શાંતિનો દેવ તમારી સાથે રહેશે.