પછી તે માણસ મને મંદિરના ધ્વાર પાસે પાછો લાવ્યો, મેં જોયું તો મંદિરના ઉંબરા તળેથી નીકળીને પાણી પૂર્વ તરફ વહેતું હતું, કારણ, મંદિર પૂર્વાભિમુખ હતું. એ પાણી યજ્ઞવેદીની અને મંદિરની દક્ષિણ બાજુએ થઇને જતું હતું.
એ પછી તેણે બીજા 1,000 હાથ અંતર માપ્યું અને ફરી મને પાણીમાં ચલાવ્યો, અહીં પાણી ઘૂંટણસમાં હતાં. ફરીથી તેણે એક 1,000 હાથ અંતર માપ્યું, અને મને પાણીમાં ચલાવ્યો, અહીં પાણી કમરસમાં હતાં.
તેણે મને કહ્યું, “આ પાણી પૂર્વમાં વહેતું યર્દનકાંઠા સુધી જાય છે અને આખરે એ મૃતસરોવરને જઇને મળે છે. એ જ્યારે મૃતસરોવરને જઇને મળે છે ત્યારે તેના પાણીને મીઠું બનાવી દે છે.
જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાંઓ ઉભરાવા માંડશે. એ પાણીનો ઝરો મૃતસરોવરના પાણીને મીઠું બનાવી દેશે. અને એ જ્યાં જ્યાં થઇને વહેશે ત્યાં જીવન ફેલાવશે.
મૃતસમુદ્રના કાંઠે માછીમારો ઊભા રહેશે અને એન-ગેદીથી છેક એન-એગ્લાઇમ સુધી સર્વ જગ્યાએ માછલાં પકડશે. તેનો કિનારો માછલી પકડવાની જાળો પાથરવાનું સ્થળ બની રહેશે અને ત્યાં મોટા સમુદ્રમાં છે તેમ વિવિધ પ્રકારની માછલીઓ હશે.
એ નદીના બંને કાંઠાઓ ઉપર બધાં ફળઝાડો ઊગી નીકળશે, તેમના પાંદડાં કરમાશે નહિ અને તેમને ફળ આવતાં કદી અટકશે નહિ. દર મહિને તેમને નવા ફળ આવશે, કારણ, તેમને મળતું પાણી મંદિરમાંથી આવે છે, તેમના ફળ ખાવા માટે છે અને પાંદડાં દવા માટે છે.”
યહોવા મારા માલિક કહે છે: “ઇસ્રાએલના બાર કુળ સમૂહોને જમીન વહેંચવા માટે આ સૂચનો છે: યૂસફના કુળને તેના પુત્રોની જાતિઓ એફ્રાઇમ અને મનાશ્શા માટે બે ભાગ મળશે.
“પૂર્વની સરહદ, દમસ્ક અને હૌરાનના પ્રદેશમાંથી પસાર થઇને દક્ષિણમાં જાય છે, અને યર્દન નદીની પૂવેર્ આવેલાં ઇસ્રાએલના અને ગિલયાદના પ્રદેશ વચ્ચે જાય છે. આ પૂર્વ સરહદ છે.
તમારા પોતાના માટે અને તમારી મધ્યે પોતાના કુટુંબો સાથે વસતા પરદેશીઓ માટે આ દેશને વતન તરીકે વહેંચી આપવો. આ દેશમાં જન્મેલા વિદેશી માતાપિતાના બાળકો પણ દેશના વતની કહેવાશે. તમારા બાળકોની જેમજ તેઓને એક સરખા અધિકારો મળશે.