Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

Ezekiel Chapters

Ezekiel 21 Verses

Bible Versions

Books

Ezekiel Chapters

Ezekiel 21 Verses

1 મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ.
2 “હે મનુષ્યના પુત્ર, યરૂશાલેમ તરફ જો અને ઇસ્રાએલ વિરુદ્ધ અને મારા મંદિરની વિરુદ્ધ પ્રબોધ કર.
3 અને કહે: યહોવા આ પ્રમાણે કહે છે: ‘હું તારી વિરુદ્ધ છું. હું મારી તરવાર મ્યાનમાંથી ખેંચીશ અને તમારામાંથી સદાચારી માણસોની તેમજ દુષ્ટોની હત્યા કરીશ.
4 મારે તમારામાંના ભલાભુંડા સૌ કોઇનો સંહાર કરવો છે માટે હું દક્ષિણથી ઉત્તર સુધીના બધા સામે મારી તરવાર મ્યાનમાંથી બહાર કાઢનાર છું.
5 ત્યારે બધા માણસોને ખાતરી થશે કે મેં યહોવાએ મ્યાનમાંથી તરવાર ખેંચી છે અને એ કદી પાછી મ્યાનમાં જવાની નથી.”‘
6 “હે મનુષ્યના પુત્ર, ભગ્ન હૃદયથી, તીવ્ર શોકથી અને અતિશય દુ:ખમાં તું મોટેથી રૂદન કર, લોકો આગળ તું પસ્તાવો કર.
7 તેઓ તને પૂછે કે, ‘તું શા માટે આક્રંદ કરે છે,’ ત્યારે તેઓને કહે: ‘દેવે આપેલા સમાચારને લીધે જ્યારે એમ થશે ત્યારે હિંમતવાન માણસ પણ ભાંગી પડશે અને તેની તાકાત ચાલી જશે. દરેક વ્યકિત નિર્ગત થશે. મજબૂત ઘૂંટણો પણ થરથરશે અને પાણીના જેવા થઇ જશે.’ યહોવા મારા માલિક કહે છે તમારા પર શિક્ષા આવી રહી છે. મારા ન્યાય ચુકાદાઓ પરિપૂર્ણ થશે.”
8 યહોવાની વાણી મને આ પ્રમાણે સંભળાઇ:
9 “હે મનુષ્યના પુત્ર, મારી ચેતવણી સંભળાવ, તું લોકોને એમ કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે:“‘તરવાર! હા, તેને ધારદાર અને ચમકતી બનાવવામાં આવી છે.
10 સંહાર કરવા માટે તેને ધારદાર બનાવેલી છે. વીજળીની જેમ ચમકારા મારે તેવી તેને બનાવી છે. અજેય રહેનાર યહૂદાના રાજદંડમાં શું આપણે આનંદ મનાવીશું? પરંતુ એ બાબિલની તરવાર એવા પ્રત્યેક રાજદંડને તુચ્છકારે છે.
11 તરવાર ચકચકતી બનાવી છે. તેનો ઉપયોગ કરવા માટે સંહારકના હાથમાં સોંપવા માટે તેને ધારદાર અને ચકચકતી બનાવી છે.
12 “‘હે મનુષ્યના પુત્ર, તું અતિશય દુ:ખને કારણે મોટેથી પોક મૂક અને રૂદન કર, કારણ કે તે તરવાર મારા લોકોની અને તેઓના સર્વ આગેવાનોની હત્યા કરશે. સર્વ મરણ પામશે માટે તારી છાતી કૂટ.
13 હું તેઓની કસોટી કરીશ. જેને તરવાર તિરસ્કારે છે તે યહૂદાના રાજદંડનો અંત આવશે તો શું?”‘ એમ યહોવા મારા માલિક કહે છે.
14 “હે મનુષ્યના પુત્ર, મારી ચેતવણી સંભળાવ, તું બે હાથે જોરથી તાળી પાડ,“આ એ તરવાર છે જે એક શરીર પરથી બીજા શરીર પર જાય છે. એ તરવાર સંહાર કરનારી છે, એ પ્રાણ હરનારી તરવાર છે. એ સર્વત્ર ભય ફેલાવનારી તરવાર છે, એને જોઇને લોકો હિંમત હારી જાય છે.
15 બધા હૃદયમાં આતંક લાવવા માટે અને ઘણા લોકોને લથડાવીને નીચે પાડવા માટે, મેં તેઓની નગરીને દરવાજે-દરવાજે તરવાર લટકતી રાખી છે, જે વીજળીની જેમ ઝળકે છે અને સંહાર કરવાને સજ્જ છે.
16 હે તરવાર, તું તારી ડાબી બાજુ અને તારી જમણી બાજુ સંહાર કર. જે બાજુ તું ફરે તે બાજુ સંહાર કર.
17 હું પણ તાળી પાડીશ અને મારા ક્રોધને શાંત પાડીશ, હું યહોવા આ બોલ્યો છું.”
18 પછી મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ.
19 “હે મનુષ્યના પુત્ર, બાબિલનો રાજા પોતાની તરવાર સાથે જ્યાં થઇને આવી શકે એવા બે રસ્તા દોર બંને રસ્તા એક જ દેશમાંથી નીકળવા જોઇએ. જ્યાં રસ્તા ફંટાતા હોય ત્યાં નિશાન મૂક.
20 એક એંધાણી રાજાને આમ્મોનીઓના નગર નો માર્ગ બતાવે, અને બીજી એંધાણી યહૂદાનો, ઠેઠ યરૂશાલેમ સુધીનો માર્ગ બતાવે.
21 બાબિલનો રાજા જ્યાં રસ્તો ફંટાય છે ત્યાં નિશાન આગળ ઊભો છે. કયે રસ્તે જવું તે જાણવા માટે તે બાણ હલાવે છે, મૂર્તિઓને પ્રશ્ર્ન કરે છે અને વધેરેલા પ્રાણીનું કાળજું તપાસે છે.
22 “તેના જમણા હાથમાં આવેલું બાણ યરૂશાલેમનું છે. ત્યાં તે કિલ્લો તોડવાના યંત્રો ગોઠવશે અને હત્યા કરવા હુકમ આપશે. દરવાજા તોડવાના યંત્રો ગોઠવાશે અને માટીના ગઢ ઊભા કરાશે, અને ખાઇઓ ખોદશે.
23 યરૂશાલેમના લોકોએ સંધિઓ કરી છે એટલે તેઓ આ બધું નહિ માને; પણ એ તો તેમના પાપોની ખબર લેશે; તેઓ દુશ્મનના હાથમાં પડવાના જ છે, પછી તેઓને બંદીવાન તરીકે લઇ જવાશે.”
24 તેથી હું યહોવા મારા માલિક, કહું છું કે, “હે યરૂશાલેમ નગરી, તારાં પાપોની ખબર લેવાઇ રહી છે. સૌ કોઇ જાણે છે કે તું કેવી દોષિત છે. તારા એકેએક કાર્યમાં તારાં પાપ પ્રગટ થાય છે. તારાં પાપોની ખબર લેવાઇ રહી છે અને તું તારા દુશ્મનોના હાથમાં પડવાની જ છે.
25 હે ઇસ્રાએલના દુષ્ટ અને અધમ રાજા, તારા દિવસો પણ ભરાઇ ચૂક્યા છે, તારી શિક્ષાનો અંતિમ દિવસ આવી પહોંચ્યો છે.”
26 યહોવા મારા માલિક કહે છે: “તારી પાઘડી અને મુગટ ઉતાર. હવે પહેલાના જેવી સ્થિતિ રહેવાની નથી. જે નીચે છે તે ઊંચે જશે અને જે ઊંચે છે તેને નીચે પાડવામાં આવશે.
27 હું નગરીને ખંડિયેરબનાવી દઇશ. ખંડિયેર! પણ આ નગરીને સજા કરવા માટે જે માણસ નક્કી થયો છે તે આવે નહિ ત્યાં સુધી આ બનવાનું નથી. હું તે સર્વ તેને આપીશ.”
28 “હે મનુષ્યના પુત્ર, તું આમ્મોનીઓ વિરુદ્ધ પ્રબોધ કર. કારણ કે તેઓએ મારા લોકોની તેમની વિકટ પરિસ્થિતીમાં હાંસી ઉડાવી છે. તેઓને આ પ્રમાણે કહે:“‘તમારી વિરુદ્ધ પણ ધારદાર, ચમકતી તરવાર ખુલ્લી કરવામાં આવી છે, તે વીજળીની જેમ ચમકારા મારે છે.
29 તમારાં દર્શન જૂઠાં છે. ભવિષ્યવાણી ખોટી છે. તમે દુષ્ટ છો, અધમ છો; તમારા દિવસો ભરાઇ ચૂક્યા છે, કારણ કે તમારી શિક્ષાનો અંતિમ દિવસ આવી પહોંચ્યો છે. તરવાર તમારી ડોક પર પડનાર છે.
30 “‘તારી તરવારને તેના મ્યાનની અંદર પાછી મૂકી દે! તમારા દેશમાં, જ્યાં તમારો જન્મ થયો હતો ત્યાં જ હું તમારો સંહાર કરીશ.
31 હું મારો કોપ તમારા પર રેડી દઇશ અને જ્યાં સુધી મોટી આગના ભભૂકે ત્યાં સુધી હું મારો કોપરૂપી અગ્નિ તમારા પર મોકલીશ. સંહાર કરવામાં કુશળ અને સ્વભાવે ક્રુર માણસોના હાથમાં હું તમને સોંપી દઇશ.
32 તમે અગ્નિમાં ઇંધણની જેમ હોમાઇ જશો. તમારા પોતાના દેશમાં તમારું લોહી રેડાશે. તમારું કોઇ નામોનિશાન નહિ રહે. હું યહોવા આ બોલ્યો છું.”‘

Ezekiel 21:1 Gujarati Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×