આ ઇમારતની એક બાજુ, મંદિરની ફરતે 20 હાથની ખુલ્લી જગ્યા તરફ પડતી હતી અને બીજી બાજુ બહારના પ્રાંગણની ફરસબંધી તરફ પડતી હતી, એને ત્રણ માળ હતાં અને દરેક માળ નીચેના માળ કરતાં થોડો અંદર લીધેલો હતો.
પેલા માણસે મને કહ્યું, “આ બંને ઇમારતો પવિત્ર છે, એમાં યહોવાની સેવા કરનાર યાજકો પરમપવિત્ર અર્પણો ખાય છે એટલે કે યાજકો એમાં ખાદ્યાર્પણો, પાપાર્થાર્પણો અને દોષાર્થાર્પણો મૂકે છે.
મંદિરમાં એકવાર પ્રવેશ્યા પછી યાજકોએ બહારના ચોકમાં જવું હોય તો તેમના વસ્ત્રો ઉતારી આ ઓરડીઓમાં મૂકવાના, કારણ કે તે વસ્ત્રો પવિત્ર છે લોકો પ્રવેશી શકે એ જગ્યાએ તેઓ જાય ત્યારે તેઓએ બીજા વસ્ત્રો પહેરવાં.”
આમ તેણે ચારેબાજુનો વિસ્તાર માપ્યો. એ ભીતથી ઘેરાયેલો ભાગ ચોરસ હતો અને તેની દરેક બાજુ 500 હાથ લાંબી હતી. ભીંત મંદિરના પવિત્ર વિસ્તારને બાકીના વિસ્તારથી જુદી પાડતી હતી.