“હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલના રાજકર્તાઓને મારા તરફથી સાવધાન કરીને તેમને કહેજે કે, આ યહોવા મારા માલિકના વચન છે: ‘હે ઇસ્રાએલના ઘેટાંપાળકો, તમારું આવી બન્યું! તમારે ઘેટાંંનું પાલનપોષણ કરવું ન જોઇએ? તમે તો પોતાનું જ લાલનપાલન કરીને સ્વાર્થ સાધો છો.
તમે પાતળાની કાળજી રાખી નથી, માંદાની સાચવણી કરી નથી, ઘવાયેલાને પાટાપિંડી કરી નથી, જેઓ ભટકી ગયા છે તેઓની તમે શોધ કરી નથી અને તેઓને પાછા લાવ્યા નથી, પરંતુ તેમના ઉપર બળજબરી અને સખતાઇથી શાસન ચલાવ્યું છે.
મારા ઘેટાં ડુંગરે ડુંગરે અને પર્વતે પર્વતે રખડતાં ફરે છે. ઘેટાંબકરાંના ટોળાં આખા દેશમાં વેરવિખેર થઇ ગયા છે. કોઇને તેમની પડી નથી કે કોઇ તેમને શોધવા જતું નથી.”‘
“મારાં ઘેટાં જંગલી પ્રાણીઓનો શિકાર બન્યા છે, તેમનો કોળિયો બન્યા છે, કારણ, તેમનો કોઇ પાળક નથી. મારા પાળકોને ઘેટાંની કશી પડી નથી. ઘેટાંને ખવડાવવાને બદલે તેઓ પોતાનું પેટ ભરવાની જ કાળજી રાખે છે.”
“હું તમારી વિરુદ્ધ છું, હું મારા ઘેટાં માટે તમને જવાબદાર ઠરાવીશ. પાળક તરીકે હું તમને દૂર કરીશ. જેથી પાળકો પોતાનું પોષણ કરી શકે નહિ, હું મારા ઘેટાંઓને તમારા મુખમાંથી છોડાવી લઇશ અને મારા ઘેટાં તમારો ખોરાક બનશે નહિ.”
પોતાનાં ઘેટાં આજુબાજુ વેરવિખેર થઇ ગયા હોય ત્યારે ભરવાડ જેમ તેમને શોધવા જાય છે તેમ હું મારા ઘેટાંને શોધવા જઇશ અને તેમને સુરક્ષિત પાછા લાવીશ. જ્યારે તેઓ ગભરાઇ ગયા હોય અને અંધારા વાદળીયા દિવસે ખોવાઇ ગયા હોય.
જ્યાં તેઓ વિખેરાઇ ગયા છે તે દેશમાંથી અને પ્રજાઓમાંથી હું તેઓને પાછા લાવીશ અને તેઓને પોતાના દેશ ઇસ્રાએલમાં ઘરે પાછા લાવીશ. ઇસ્રાએલના પર્વતો પર નદીના કાંઠે તથા ફળદ્રુપ જગ્યાઓમાં હું તેઓનું પોષણ કરીશ.
હે ઘેટાંઓ અને બકરાઓ, ઉત્તમ ચારો આરોગી તમે ધરાયા નથી કે બાકીના ચારાને તમે પગ વડે કચડી નાખો છો? અથવા સ્વચ્છ પાણી પીને તમે ધરાયા નથી કે બાકીનું પાણી પગ વડે ડહોળી નાખો છો?
તેથી હું પોતે મારા ટોળાને બચાવીશ. પછી કોઇ તેઓને સતાવી શકશે નહિ કે તેઓનો નાશ કરશે નહિ. તેઓ તંદુરસ્ત છે કે પાતળા છે તે હું જોઇશ અને પછી તેઓનો ન્યાય કરીશ.
તેઓના ફળના વૃક્ષો ફળ આપશે અને ખેતરોમાં મબલખ પાક થશે. સર્વ લોકો સુરક્ષિત રહેશે. જ્યારે હું તેઓની ગુલામીની સાંકળો તોડી નાખીશ અને તેઓના ભોગે લાભ મેળવનારાઓથી હું તેઓને છોડાવીશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.