“‘દેશમાં ભારે દુ:ખ થશે તેની સાથે જ કૂશના, પૂટના અને લૂદના તેમજ અરબસ્તાનના અને બાબિલના લોકો તેમ જ મિસર સાથે સંધિથી જોડાયેલા બીજા લોકો પણ યુદ્ધમાં માર્યા જશે.”‘
યહોવા મારા માલિકના આ વચન છે: “‘મિસરના સર્વ મિત્ર રાજ્યોનું પતન થશે અને તેના સાર્મથ્યના અભિમાનનો અંત આવશે. ઉત્તરમાં મિગ્દોલથી તે દક્ષિણમાં આસ્વાન સુધીના સર્વ તરવારથી નાશ પામશે.” એમ યહોવા મારા માલિક જાહેર કરે છે.
“‘જ્યારે એ દિવસ આવશે અને મિસરનો નાશ થયો હશે ત્યારે હું વહાણોમાં ખેપિયાઓ મોકલીને નિશ્ચિંત જીવે વસતા કૂશના વતનીઓને ચેતવીશ અને તેઓ ભયભીત થઇ જશે. એ દિવસ આવી રહ્યો છે!
જે દિવસે હું મિસરની સત્તાને તોડી પાડીશ અને જે બળ ઉપર એ અભિમાન કરે છે તેનો અંત આણીશ ત્યારે તાહપન્હેસમાં અંધકાર છવાઇ જશે અને આખા મિસર પર વાદળ ઘેરાશે, અને ત્યાંનાં બધા નગરોના વતનીઓ કેદ પકડાશે.
“હે મનુષ્યના પુત્ર, મેં મિસરના રાજા ફારુનનો હાથ ભાંગી નાખ્યો છે. કોઇએ એને પાટો બાંધ્યો નથી કે એને ઝોળીમાં નથી મૂક્યો, જેથી તે તરવાર પકડવા જેટલી શકિત ફરીથી મેળવે.”
તેથી યહોવા મારા માલિક, કહે છે, કે “હું મિસરના રાજા ફારુનની વિરુદ્ધ છું. હું એનો સાજો અને પહેલાં મેં ભાંગેલો એમ બંને હાથ ભાંગી નાખનાર છું. અને તેના હાથમાંથી તરવાર પડી જશે.
ત્યાર બાદ હું બાબિલના રાજાના હાથ મજબૂત કરીશ અને તેમાં મારી તરવાર પકડાવીશ. પણ મિસરના રાજાના હાથ હું ભાંગી નાખીશ અને તે પોતાના દુશ્મનો સામે વધ થયેલા માણસની જેમ ચીસો પાડતો રહેશે.
“હું જરૂર બાબિલના રાજાના હાથ બળવાન બનાવીશ, પણ ફારુનના હાથ નબળાં પડી જશે, હું બાબિલના રાજાના હાથમાં મારી તરવાર આપીશ અને તે મિસર તરફ તેને લંબાવશે ત્યારે સૌને ખાતરી થશે કે હું યહોવા છું.