પહેલાં તે મુખ્ય ભૂમિ પરની વસાહતોમાં રહેતા લોકોનો નાશ કરશે. પછી તે નગરના કોટને ઘેરો ઘાલશે. તારા કોટ સામે મોરચા બાંધશે અને તેની ઢાલો તારી વિરુદ્ધ ઊંચી કરશે.
તેના હજારો ઘોડાઓએ ઉડાડેલી ધૂળની રજથી તું છવાઇ જશે. ભંગાણ પડેલા શહેરમાં લોકો પ્રવેશ કરે તેમ તે તારા બારણામાં થઇને દાખલ થશે. ત્યારે ઘોડાઓ, રથો અને ગાડાંના અવાજથી તારો કિલ્લો ધ્રુજી ઊઠશે.
હું ફકત તારા ટાપુને વેરાન ખડક બનાવી દઇશ, તેના પર માછીઓ પોતાની જાળો પાથરશે. તેને ફરીથી કદી બાંધવામાં આવશે નહિ. કારણ કે હું યહોવા તે બોલ્યો છું.” એમ યહોવા મારા માલિક કહે છે.
તૂરની જે દશા થઇ છે તે જોઇને સમુદ્ર તટ પર વસતી પ્રજાઓના રાજાઓ તેઓની રાજગાદી પરથી નીચે ઊતરશે અને તેઓના ઝભ્ભાઓ અને સુંદર પોશાકો બાજુ પર મૂકીને ભયભીત થઇને જમીન પર બેસશે. તારી દુર્દશા જોઇને તેઓને ધ્રુજારી ચડી જશે.
તેઓ તારે માટે આ મરશિયા ગાશે;“‘ઓ વિખ્યાત નગરી! આ તે તારો કેવો વિનાશ તું સમુદ્રમાંથી સાફ થઇ ગઇ! તું અને તારા વતનીઓ સમુદ્ર પર ગવિર્ષ્ઠ હતાં. અને આખા સાગરકાંઠાના વતનીઓ તારાથી ડરતા રહેતા હતા.
ત્યારે હું તને ભૂતકાળના ઘણાં લોકો જ્યાં છે ત્યાં નરકના ખાડામાં ધકેલી દઇશ, ત્યાં નીચેની ધરતીમાં, પ્રાચીન ખંડિયેરોમાં, નરકના ખાડામાં ગયેલા લોકો સાથે તારે રહેવું પડશે. ફરીથી તને આ જીવલોકમાં આવીને વસવા દેવામાં આવશે નહિ.