તેથી હે મનુષ્યના પુત્ર, તું દેશવટે જવાનો હોય એમ સરસમાન બાંધી લે અને ધોળે દિવસે સૌના દેખતાં ચાલી નીકળ; તેમના દેખતાં તું બીજે જવા નીકળી પડ. તે બળવાખોરો કદાચ તને જુએ પણ ખરા.
“તારી મુસાફરીનો સામાન બાંધીને તેઓ જુએ તેમ દિવસ દરમ્યાન તારા ઘરમાંથી બહાર કાઢી લાવ. પછી જેમ કેદીઓને દૂરના દેશોમાં લઇ જવામાં આવે છે તે પ્રમાણે સાંજે તેઓની હાજરીમાં ઘરમાંથી બહાર નીકળી પડ.
યહોવાએ મને જે કહ્યું હતું તે પ્રમાણે મેં બરાબર કર્યું. મેં દેશવટે જવા માટે બાંધીને તૈયાર કરેલો સામાન દિવસે બહાર કાઢયો. સાંજે મારા હાથે જ મેં ભીંતમાં બાકોરું પાડ્યું અને લોકોના દેખતાં જ રાત્રે મારો સામાન મારા ખભે મુકીને ચાલી નીકળ્યો.
તમારા રાજા પણ આ જ પ્રમાણે તેનાથી ઊંચકી શકાય તેટલો સામાન ઊંચકીને નીકળશે અને ભીંતના બાકોરામાંથી તે બહાર જશે. તે પોતાનું મોઢું ઢાંકી દેશે જેથી તે જોઇ શકે નહિ.
“હું તેઓમાંના થોડાને યુદ્ધ, ભૂખમરો, અને રોગચાળામાંથી ઉગારી લઇશ, જેથી તેઓ જે પ્રજાઓમાં જઇને વસ્યા હશે ત્યાં કબૂલ કરે કે તેમનાં કૃત્યો કેટલાં અધમ હતાં, અને ત્યારે તેમને ખબર પડશે કે હું યહોવા છું.”
બધા લોકોને કહેજે કે, ઇસ્રાએલમાં હજી પણ વસતાં યરૂશાલેમના વતનીઓ માટે યહોવા મારા માલિકના આ વચન છે; તેઓ ડરતા ડરતા ખાશે અને ચિંતાતુર થઇને પાણી પીશે. તેમના દેશમાં વસતી દરેકે દરેક વ્યકિત હિંસક છે. તેથી તેને વેરાન બનાવી દેવામાં આવશે.
“તું એમને કહે: આ યહોવાના વચન છે. હું એ કહેવત જૂઠી પાડીશ, ઇસ્રાએલમાં એ હવે કદી ઉચ્ચારાશે નહિ, તેના બદલે તેઓ કહેશે;સમય આવ્યો છે અને એકેએક ભવિષ્યવાણી સાચી પડવાની જ છે!
કારણ કે હું, યહોવા, મારે જે કહેવું હશે તે કહીશ અને જે કહીશ તે સાચું પડશે. એમાં વિલંબ નહિ થાય. હે બંડખોર ઇસ્રાએલીઓ, હું આ તમારા જીવનકાળ દરમ્યાન જ કરીશ.” આ યહોવા મારા માલિકના વચનો છે.
તેથી એ લોકોને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે: હવે મારા વચનો પૂરાં કરવામાં વિલંબ નહિ થાય. દરેક વચન જે હું બોલ્યો છું તે ફળીભૂત થશે.”‘ આ યહોવા મારા માલિકના વચન છે.