પછી દેવે સુતરાઉ રેસાના વસ્ત્ર પહેરેલા માણસને કહ્યું, “કરૂબ દેવદૂતોની નીચેનાં પૈડાઓ વચ્ચે જા અને બળતા કોલસામાંથી મુઠ્ઠી ભરી યરૂશાલેમ શહેર પર નાખ.”અને મેં જોયું કે એ અંદર પ્રવેશ્યો.
કરૂબો આગળ વધતા ત્યારે તેઓનાં મુખ તે ચારે દિશામાં, આમતેમ ફેરવ્યાં વિના તેઓ જઇ શકતા હતાં. પૈડાંને વળાંક લેવાની જરૂર પડતી નહોતી, તેઓ બધા એકી સાથે ફર્યા વગર ગમે તે દિશામાં સીધા આગળ વધી શકતા હતાં.
જ્યારે તેઓ ઊડવા માટે પાંખો ફેલાવતા ત્યારે પણ પૈડાં તેમની સાથેને સાથે જ રહેતાં. તેઓ અટકતા ત્યારે પૈડાં પણ અટકી જતાં અને જ્યારે તેઓ ઊડતાં ત્યારે પૈડાં તેમની સાથે જ રહેતાં, કારણ, પૈડાં ઉપર તેમનું નિયંત્રણ હતું.
કરૂબો પાંખો પ્રસારીને જમીનથી અધ્ધર થઇ ગયા અને પૈડાંને પણ તેમની સાથે- સાથે અધ્દર થતાં મેં જોયાં. મંદિરના પૂર્વ દરવાજા આગળ તેઓ થોભ્યા. તેમના ઉપર યહોવાનું ગૌરવ છવાયેલું હતું.