Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

Acts Chapters

Acts 16 Verses

Bible Versions

Books

Acts Chapters

Acts 16 Verses

1 પાઉલ દર્બે અને લુસ્ત્રાના શહેરોમાં ગયો તિમોથી નામનો એક ઈસુનો શિષ્ય ત્યાં હતો. તિમોથીની માતા એક યહૂદિ વિશ્વાસી હતી. તેના પિતા એક ગ્રીક હતા.
2 લુસ્ત્રા અને ઈકોનિયામાંના વિશ્વાસીઓ તિમોથીને માન આપતા. તેઓ તેના વિષે સારી વાતો કહેતા.
3 પાઉલની ઈચ્છા હતી કે તિમોથી તેની સાથે મુસાફરી કરે. પરંતુ તે પ્રદેશમાં રહેતા તમામ યહૂદિઓ જાણતા હતા કે તિમોથીના પિતા ગ્રીક હતા. તેથી યહૂદિઓ ખાતર પાઉલે તિમોથીની સુન્નત કરાવી.
4 પછી પાઉલ અને તેની સાથેના માણસોએ એક ગામથી બીજે ગામ મુસાફરી કરી. તેઓએ વિશ્વાસીઓને પ્રેરિતો અને વડીલો તરફથી યરૂશાલેમમાં નિયમો અને નિર્ણયો આપ્યા. તેઓએ વિશ્વાસીઓને આ નિયમોનું પાલન કરવા કહ્યું.
5 તેથી મંડળીઓ વિશ્વાસમાં વધારે મજબૂત થતી હતી અને પ્રતિદિન વધારે મોટી થતી જતી હતી.
6 પાઉલ અને તેની સાથેના માણસો ફુગિયા અને ગલાતિયાના પ્રદેશોમાં થઈને ગયા. પવિત્ર આત્માએ તેઓને આસિયામાં સુવાર્તાનો બોધ કરવાની મના કરી હતી.
7 પાઉલ અને તિમોથી મૂસિયાની નજીકના પ્રદેશમાં ગયા. તેઓ બિથૂનિયાના પ્રદેશમાં જવા ઈચ્છતા હતા. પરંતુ ઈસુનો આત્મા તેઓને અંદર જવા દેતો ન હતો.
8 તેથી તેઓ મૂસિયાથી પસાર થઈ ત્રોઆસ આવ્યા.
9 તે રાત્રે પાઉલે એક દર્શન જોયું. આ દર્શનમાં મકદોનિયાનો એક માણસ પાઉલની પાસે આવ્યો. તે માણસે ત્યાં ઊભા રહીને વિનંતી કરી, “મકદોનિયા પાર કરીને આવો, અમને મદદ કરો!”
10 પાઉલે દર્શન જોયું પછી, અમે તરત જ મકદોનિયા જવાની તૈયારી કરી. અમે સમજ્યા કે દેવે અમને પેલા લોકોને સુવાર્તા પ્રગટ કરવા માટે બોલાવ્યા છે.
11 અમે વહાણમાં બેસીને ત્રોઆસ છોડ્યું, અને અમે સમોર્થાકી ટાપુ તરફ વહાણ સીધા હંકારી ગયા. બીજે દિવસે અમે નિયાપુલિસના શહેર તરફ વહાણ હંકાર્યુ.
12 પછી અમે ફિલિપ્પી ગયા. ફિલિપ્પી મકદોનિયાના પ્રદેશમાં એક મહત્વનું શહેર છે. તે રોમનો માટેનું શહેર છે. અમે તે શહેરમાં થોડાક દિવસો માટે રહ્યા.
13 વિશ્રામવારના દિવસે શહેરના દરવાજા બહાર નદીએ ગયા. અમે વિચાર્યુ કે અમને પ્રાર્થના માટે નદી કિનારે જગ્યા મળશે. કેટલીક સ્ત્રીઓ ત્યાં ભેગી થઈ હતી. તેથી અમે ત્યાં બેઠા અને તેઓની સાથે વાતો કરી.
14 ત્યાં થુવાતિરા શહેરની એક લૂદિયા નામની સ્ત્રી હતી. તેનું કામ જાંબુડિયાં વેચવાનું હતું. તે સાચા દેવની ભક્તિ કરતી હતી, લૂદિયાએ પાઉલને ધ્યાનથી સાંભળ્યો. પ્રભુએ તનું હ્રદય ઉઘાડ્યું. તેણે પાઉલે જે કહ્યું તેમાં વિશ્વાસ મૂક્યો.
15 તે અને તેના ઘરમાં રહેતા બધા લોકોનું બાપ્તિસ્મા કરવામાં આવ્યું. પછી લૂદિયાએ અમને તેના ઘરમાં નિમંત્રણ આપ્યું. તેણે કાલાવાલા કરીને કહ્યું, “જો તમે વિચારતા હોય કે હું પ્રભુ ઈસુની સાચી વિશ્વાસી છું, તો પછી મારા ઘરમાં આવો અને રહો.” તેણે અમને તેની સાથે રહેવા ઘણો આગ્રહ કર્યો.
16 જ્યારે અમે પ્રાર્થના માટેની જગ્યાએ જતા હતા ત્યારે એક વખતે અમારી સાથે કંઈક બન્યું. એક જુવાન દાસી અમને મળી. તેનામાં એક અગમસૂચક આત્માહતો. આ આત્મા તેને ભવિષ્યમાં શું થવાનું છે તે કહેવાનું સાર્મથ્ય આપતો. આમ કરવાથી તેણે ખૂબ પૈસા તેના માલિકને કમાવી આપ્યા.
17 આ છોકરી પાઉલને અને અમને અનુસરી. તેણીએ મોટે સાદે કહ્યું, “આ માણસો પરાત્પર દેવના સેવકો છે! તેઓ તમને કહે છે તમારું તારણ કેવી રીતે થશે?”
18 ઘણા દિવસો સુધી તેણે આ કરવાનું ચાલુ રાખ્યું. પાઉલ બેચેન હતો. તેથી તેણે તેના તરફ ફરીને આત્માને કહ્યું, “ઈસુ ખ્રિસ્તના પરાક્રમથી હું તને આજ્ઞા કરું છું કે તું એનામાંથી બહાર નીકળી જા!” તરત જ તે આત્મા બહાર નીકળી ગયો.
19 જે માણસોની માલિકી આ સેવિકા છોકરી પર હતી તેઓએ આ જોયું. આ માણસોએ જાણ્યું કે હવે તેઓ પૈસા બનાવવા માટે તેણીનો ઉપયોગ કરી શકશે નહિ. તેથી તેઓએ પાઉલ અને સિલાસને પકડ્યા અને શહેરની સભાની જગ્યામાં ઘસડી લાવ્યા. શહેરના અધિકારીઓ ત્યાં હતા.
20 તે માણસો પાઉલ અને સિલાસને આગેવાનોની આગળ લાવ્યા અને કહ્યું, “આ માણસો યહૂદિઓ છે. તેઓ આપણા શહેરમાં મુશ્કેલીઓ ઊભી કરે છે,
21 તેઓ લોકોને એવું કહે છે, જે આપણા માટે યોગ્ય નથી. આપણે રોમન નાગરિકો છીએ. આપણે આ વસ્તુઓ કરી શકીએ નહિ.”
22 લોકો પાઉલ અને સિલાસની વિરૂદ્ધ થયા પછી તે આગેવાનોએ પાઉલ અને સિલાસના વસ્ત્રો ફાડી નાખ્યાં અને પાઉલ અને સિલાસને ફટકા મારવાની આજ્ઞા કરી.
23 તે માણસોએ પાઉલ અને સિલાસને ઘણા ફટકા માર્યા. પછી આગેવાનોએ પાઉલ અને સિલાસને જેલમાં પૂર્યા. તે આગેવાનોએ દરોગાને કહ્યું, “સખ્ત જાપ્તા નીચે તેઓની ચોકી કરજે.”
24 દરોગાએ આ ખાસ હુકમ પાળ્યો, તેથી તેણે પાઉલ અને સિલાસને જેલમાં ખૂબ દૂર અંદરની બાજુએ પૂર્યા. તેણે તેઓના પગ બે લાકડાના મોટા ટૂકડાઓ વચ્ચે બાંધી દીધા.
25 લગભગ મધરાતે પાઉલ અને સિલાસ પ્રાર્થના કરતા હતા અને દેવના સ્તોત્ર ગાતાં હતા. બીજા કેદીઓ તેઓને સાંભળતા હતાં.
26 અચાનક ત્યાં એક મોટો ધરતીકંપ થયો. તે એટલો બધો ભારે હતો કે તેનાથી કારાવાસના પાયા ધ્રુંજી ઊઠ્યા. પછી કારાવાસના બધા દરવાજા ઉઘડી ગયા. બધા કેદીઓ તેમની સાંકળોમાંથી મુક્ત થયા.
27 સંત્રી જાગી ઊઠ્યો. તેણે જોયું કે કારાવાસના દરવાજા ઉધડી ગયા હતા. તેણે વિચાર્યુ, કે કેદીઓ લગભગ ભાગી ગયા છે. તેથી સંત્રીએ તેની તલવાર ઉપાડી અને તેની જાતે આત્મહત્યા કરવા જતો હતો.
28 પરંતુ પાઉલે પોકાર કર્યો, “તારી જાતને ઈજા કરતો નહિ! અમે બધા અહી છીએ!”
29 સંત્રીએ કોઇકને દીવો લાવવા મારે કહ્યું, પછી તે અંદર દોડ્યો. તે ધ્રુંજતો હતો. તે પાઉલ અને સિલાસની સમક્ષ પગે પડ્યો.
30 પછી તે તેઓને બહાર લાવ્યો અને કહ્યું, “હે સાહેબો, મારે તારણ પામવા શું કરવું જોઈએ?”
31 તેઓએ તેને કહ્યું, “પ્રભુ ઈસુમાં વિશ્વાસ કર અને તું બચી જઈશ. તું અને તારા ઘરમાં રહેતા બધા લોકો તારણ પામશે.”
32 તેથી પાઉલ અને સિલાસે પ્રભુનું વચન દરોગા અને તેના ઘરના બધા લોકોને કહ્યું.
33 તે રાતનો મોડો સમય હતો. પરંતુ સંત્રીએ પાઉલ અને સિલાસને લઈ જઈને તેઓના ઘા ધોયા. પછી સંત્રી અને તેના બધા લોકોને બાપ્તિસ્મા આપવામાં આવ્યું.
34 આ પછી સંત્રીએ પાઉલ અને સિલાસને ઘેર લઈ ગયો અને તેઓને માટે જમવાનું તૈયાર કરાવ્યું. તે અને તેના ઘરના બધા જ લોકોએ ખૂબ આનંદ કર્યો. કારણ કે તેઓ હવે દેવમાં વિશ્વાસ કરતા હતા.
35 બીજી સવારે આગેવાનોએ કેટલાક સૈનિકોને સંત્રીને કહેવા મોકલ્યા, “આ માણસોને મુક્ત કરો અને જવા દો!”
36 સંત્રીએ પાઉલને કહ્યું, “આગેવાનોએ તમને મુક્ત કરીને છોડી મૂકવા આ સૈનિકો મોકલ્યા છે. તમે હવે અહીથી જઈ શકો છો. શાંતિથી જાઓ.”
37 પરંતું પાઉલે સૈનિકોને કહ્યું, “તમારા આગેવાનોએ સાબિત કર્યુ નથી કે અમે ખોટું કર્યુ છે. પણ તેઓએ અમને લોકોની સામે માર્યા અને કારાવાસમાં પૂર્યા. અમે રોમન નાગરિકો છીએ. તેથી અમને હક્ક છે. હવે આગેવાનોની ઈચ્છા અમને ગુપ્ત રીતે જવા દેવાની છે. ના! આગેવાનોએ આવવું જોઈએ અને અમને બહાર લાવવા જોઈએ!
38 સૈનિકોએ પાઉલે જે કહ્યું તે આગેવાનોને કહ્યું, જ્યારે આગેવાનોએ સાંભળ્યું કે પાઉલ અને સિલાસ રોમન નાગરિકો છે, ત્યારે તેઓ ડરી ગયા હતા.
39 તેથી તેઓએ આવીને પાઉલ અને સિલાસને કહ્યું કે તેઓ દિલગીર છે. તેઓ પાઉલ અને સિલાસને કારાવાસની બહાર લઈ ગયા અને તેમને શહેર છોડી જવા કહ્યું.
40 પરંતુ જ્યારે પાઉલ અને સિલાસ કારાવાસમાંથી બહાર આવ્યા. તેઓ લૂદિયાને ઘેર ગયા. તેઓએ ત્યાં કેટલાક વિશ્વાસીઓને જોયા અને તેઓને દિલાસો આપ્યો પછી પાઉલ અને સિલાસ વિદાય થયા.

Acts 16:1 Gujarati Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×