પણ તે ગરીબોનો પ્રામાણિકપણે ન્યાય કરશે અને દેશના દુ:ખીજનોનો સચ્ચાઇથી ન્યાય કરશે. અન્યાયીઓને તેનો નિર્ણય દંડની જેમ પ્રહાર કરશે. તેનો ચુકાદો દુષ્ટોનો સંહાર કરશે.
યહોવાના આખા પવિત્ર પર્વત ઉપર ન તો કોઇ કોઇનું બુરૂં કરે, ન તો કોઇ કોઇને ઇજા કરે; કારણ, જેમ સાગર જળથી ભરેલો હોય છે, તેમ દેશ યહોવાના જ્ઞાનથી ભર્યો ભર્યો હશે.
તે દિવસે મારા પ્રભુ આશ્શૂર, ઉત્તરી મિસર, દક્ષિણ મિસર, ક્રૂશ, એલામ, બાબિલ, હમાથ અને દરિયાપારના પ્રદેશોમાંથી પોતાના લોકોમાંના જેઓ હજી બાકી રહેલા હશે તેમને પાછા લાવવા બીજીવાર પોતાનો હાથ વિસ્તારશે અને પોતાની શકિતનો પરચો બતાવશે;
તેઓ બંને ભેગા મળીને ખભેખભા મિલાવી પશ્ચિમમાં પલિસ્તીઓ પર તૂટી પડશે અને પૂર્વના લોકોને લૂંટી લેશે; અદોમ અને મોઆબ તેમની મૂઠીમાં આવશે; અને આમ્મોનના લોકો તેમની આણ સ્વીકારશે.
યહોવા મિસરના રાતા સમુદ્રમાંથી રસ્તો કરશે; અને ફ્રાત નદી પર પોતાનો હાથ હલાવીને પ્રચંડ પવનને મોકલશે અને તેને સાત પ્રવાહમાં વહેંચી નાખશે જેથી તે સહેલાઇથી ઓળંગી શકાય.