વળી એક લોખંડની તાવડી લઇ, તારી અને નગરની વચ્ચે લોખંડની ભીત તરીકે આડી મૂક, શહેરની તરફ મોઢું કર, શહેરને ઘેરો ઘાલેલો છે અને ઘેરો ઘાલનાર તું છે. ઇસ્રાએલીઓને માટે આ એક સંકેત છે.
મેં તેઓના પાપોના વરસોની સંખ્યા નક્કી કરી છે જેવી રીતે તારા માટે દિવસોની સંખ્યા નક્કી કરી છે. તેથી ત્રણસોને નેવું દિવસ સુધી તું ઇસ્રાએલ પ્રજાના અપરાધની ઘોષણા કરશે.
“આ પ્રમાણે કર્યા પછી તારે તારા જમણા પડખે સૂઇ જવું અને યહૂદિયાના લોકોના પાપોની ઘોષણા કરવી. દરેક વરસને માટે એક દિવસ એમ 40 દિવસ તારે માટે મેં ઠરાવ્યા છે. તેટલા દિવસો સુધી યહૂદાના પાપો અને અપરાધની ઘોષણા કરજે.”
“ત્યારપછી તારે, ઘઉં, જવ, વટાણા, ચોળા, મઠ અને બાજરીનો લોટ લઇ એક જ વાસણમાં નાખી તેમાંથી રોટલા બનાવવા. જ્યારે તું ત્રણસોને નેવું દિવસ સુધી સૂઇ રહીશ ત્યારે તારે ફકત એ જ ખાવાનું છે.
પણ મેં કહ્યું, “હે યહોવા મારા માલિક, મેં મારી જાતને કદી અભડાવી નથી. મેં બાળપણથી આજ સુધી કદી કુદરતી રીતે મૃત્યુ પામેલું કે કોઇ જંગલી પશુએ મારી નાંખેલું પ્રાણી ખાધું નથી, મેં કદી નિયમશાસ્ત્ર દ્વારા નિષિદ્ધ ખોરાક મોંમા મૂક્યો નથી.
એટલે તેમણે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, હું યરૂશાલેમનો અનાજનો ભંડાર ખાલી કરી નાખનાર છું, ત્યાંના લોકો ચિંતામાંને ચિંતામાં તોળી તોળીને ખાશે અને ભયના માર્યા માપી માપીને પાણી પીશે. બધા જ ભયભીત થઇ જશે.