પવિત્ર આત્મા સ્પષ્ટ રીતે કહે છે કે પાછલા સમયમાં કેટલાએક લોકો સાચા વિશ્વાસમાંથી દૂર જશે. તે લોકો ખોટું બોલનારા આત્માઓની આજ્ઞાનું પાલન કરશે. વળી તે લોકો ભૂતોના ઉપદેશને અનુસરશે.
જે લોકો જૂઠું બોલીને લોકોને છેતરતા હોય તેઓના દ્વારા ખોટો ઉપદેશ પ્રચાર પામે છે. તે લોકો સારા નરસાનો ભેદભાવ પારખી શકતા નથી. ગરમ લોખંડ વડે એમની સમજ શક્તિને ડામ દઈને બાળી નાખી હોય એવી આ વાત છે.
એવા માણસો લોકોને કહેતા ફરે છે કે તેઓ લગ્ર કરી શકે નહિ. અને તેઓ લોકોને કહે છે કે અમુક અમુક જાતનો ખોરાક ખાવો ન જોઈએ. પરંતુ તે ખોરાક પણ દેવે જ બનાવ્યો છે. અને દેવને માનનારા તથા સત્યને જાણનારા લોકો આભારસ્તુતિ કરીને એ ખોરાક ખાઈ શકે છે.
આ બધી વાતો તું તારા ભાઈઓ તથા બહેનોને કહેજે. જો તું આ કરીશ તો સાબિત થશે કે ખ્રિસ્ત ઈસુનો તું એક સારો સેવક છે. વિશ્વાસથી શબ્દો દ્વારા તથા સારા ઉપદેશના તારા અનુસરણને લીધે તું મક્કમ અને દૃઢ બન્યો છે તે તું બતાવી શકીશ.
દેવના સત્યની સાથે સુસંગત ન હોય એવી મૂર્ખાઈભરી વાતો લોકોને કહેતા ફરે છે. એવી વાતોનું શિક્ષણ તું ગ્રહણ કરતો નહિ. પરંતુ દેવની સાચી રીતે સેવા કરવા તારી જાતને તાલીમ આપ.
શરીરને તાલીમ આપવાના કેટલાએક ફાયદા છે. પરંતુ દેવની સેવાથી તો દરેક વાતે ફાયદો જ છે. દેવની સેવાથી આ જીવનમાં તેમજ ભવિષ્યના જીવનમાં પણ એના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
એ કારણે જ આપણે સખત મહેનત તથા પરિશ્રમ કરી રહ્યા છીએ. આપણે જીવતા દેવમાં આશા રાખીએ છીએ. સર્વ લોકોનો તે તારનાર છે. વિશેષ કરીને જેઓ તેનામાં વિશ્વાસ કરે છે તે સર્વ લોકોનાં તારનાર છે.
તને જુવાન જાણીને તારું કઈ મહત્વ ન હોય એ રીતે કોઈ પણ વ્યક્તિને તારી સાથે વર્તવા ન દઈશ. વિશ્વાસીઓએ કેવી રીતે જીવવું જોઈએ તે બતાવવા તારી વાણી વડે, તારા વિશ્વાસ વડે, અને તારા સ્વચ્છ જીવન વડે જીવવાને લીધે તું લોકોને નમૂનારુંપ થજે.
તારી પાસે જે કૃપાદાન છે તેનો ઉપયોગ કરતા રહેવાનું યાદ રાખજે. જ્યારે વડીલોએ તારા પર તેઓના હાથ મૂક્યા તે વખતે થયેલ પ્રબોધ દ્વારા એ કૃપાદાન તને આપવામાં આવ્યુ હતુ.