તે કહે છે, “બીજી પ્રજાઓને રસ્તે જશો નહિ, તેઓ કુંડળી તૈયાર કરે છે તથા ગ્રહોની સ્થિતિને આધારે પોતાનું ભવિષ્ય જુએ છે. તેઓ ભવિષ્યકથન કરે તેથી ડરશો નહિ. કારણ કે તે સર્વ કેવળ જૂઠાણું છે.
ખેતરોમાં ઊભા કરેલા અસહાય ચાડિયાની જેમ તેઓના દેવ ત્યાં ઊભા રહે છે! તે બોલી શકતા નથી, તે ચાલી શકતા નથી તેથી ઊંચકીને લઇ જવા પડે છે. આવા દેવોથી ડરશો નહિ, તે કશી ઇજા કરી શકે તેમ નથી, તેમ જ કશું ભલું કરવાની પણ એમની શકિત નથી.”
તાશીર્શથી ચાંદી અને ઉફાઝમાંથી સોનું લાવીને સોનીઓ એમાંથી વરખ બનાવીને એને શણગારે છે અને જાંબુડિયાં અને કિરમજી રંગના કિંમતી વસ્ત્રો એમને પહેરાવે છે. એ બધી મૂર્તિઓ કારીગરોએ બનાવેલી છે.
પરંતુ યહોવા તો સાચેસાચ દેવ છે, એ જીવતાજાગતા દેવ છે, શાશ્વત અધિપતિ છે. તે જ્યારે રોષે ભરાય છે ત્યારે ધરતી ધ્રુજી ઊઠે છે; પ્રજાઓ એમના ક્રોધાગ્નિને ખમી શકતી નથી.
યહોવા કહે છે, અન્ય દેવોની પૂજા કરનારાઓને તમે આ પ્રમાણે કહેજો: “જેમણે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું નથી, તેવા તમારા દેવો આકાશ તળેથી તથા પૃથ્વી પરથી નાશ પામશે.”
તોફાની વાદળોની ગર્જનાઓથી તેમના અવાજનો પડઘો પડે છે, તે ધુમ્મસને પૃથ્વી પરથી ઊંચે ચઢાવે છે. જેથી વીજળીને ચમકાવીને વરસાદ વરસાવે છે અને પોતાના ભંડારમાંથી વાયુઓને મોકલે છે.
તેની સરખામણીમાં બધા માણસો મૂર્ખ અને અજ્ઞાની થઇ ગયા છે. દરેક સોની પોતે બનાવેલી મૂર્તિ જોઇને શરમાઇ જાય છે, કારણ, એ બધી મૂર્તિઓ તો અસત્ય અને પ્રાણ વગરની છે,
પણ અમારો તંબુ હતો ન હતો થઇ ગયો છે, એનાં દોરડાં તૂટી ગયા છે; અમારા પુત્રો અમને છોડીને ચાલ્યા ગયા છે; એક પણ રહ્યો નથી; અમારો તંબુ ફરી ઊભો કરનાર કે એના પડદા બાંધનાર કોઇ નથી!”
તમારો રોષ તમે બીજી પ્રજાઓ પર ઉતારો, જે લોકો તમને માનતા નથી, તમારું નામ લેતાં નથી. કારણ, તેઓ યાકૂબના કુટુંબોને ખાઇ ગયા છે, તેમણે તેમનો અંત આણ્યો છે, અને તેમના દેશને વેરાન બનાવી દીધો છે.