ઇસ્રાએલના કોટકિલ્લા અને દમસ્કની રાજસત્તા જતાં રહેશે; વળી ઇસ્રાએલીઓની જાહોજલાલીની જે દશા થઇ તે જ દશા અરામના બાકી રહેલા લોકોની થશે,” સૈન્યોના દેવ યહોવાના આ વચન છે.
ફકત રડ્યાં ખડ્યાં થોડાં ડૂંડા ત્યાં વેરાયેલા પડ્યાં હશે. જેમ કોઇ જૈતૂનના ઝાડને હલાવ્યા પછી છેક ઉપરની ડાળી પર બે ત્રણ ફળ રહે, અથવા ગાઢા પાંદડાવાળી ડાળીએ ચારપાંચ જૈતૂન રહે, તેવું ઇસ્રાએલનું થશે” એમ સૈન્યોના દેવ યહોવાએ કહ્યું હતું.
તે દિવસે તેઓ મદદ માટે મૂર્તિઓ આગળ વિનંતી કરશે નહિ તથા તેઓ પોતાના જ હાથે બનાવેલી મૂર્તિઓની પૂજા કરશે નહિ ત્યારે તેમને અશેરા સ્તંભ અને ધૂપ વેદીઓ માટે માન રહેશે નહિ.
લોકો સાગરનાં મોજાંના ઘુઘવાટની જેમ ઘુઘવાટા કરે છે. પણ દેવ તેઓને ઠપકો આપશે, ને તેઓ ભાગી જશે, જાણે પર્વત ઉપર પવનથી ઊડી જતી ધૂળ; જાણે વંટોળિયા આગળ ઘુમરાતી ધૂળ.