કેમ કે દેવ આપણું તારણ કરવા ઇચ્છે છે, એ સુવાર્તા જેમ આપણને આપવામાં આવી છે, તેમ તે સમયના ઈસ્રાએલના લોકોને પણ આપવામાં આવી હતી તેમ છતાં તે સુવાર્તા તેમને કોઈ પણ રીતે લાભકર્તા નીવડી નહિ કારણ કે તેઓએ તે સુવાર્તા સાંભળ્યા છતાં વિશ્વાસથી તેનો સ્વીકાર કર્યો નહિ.
અમે જેઓએ તેનો સ્વીકાર કર્યો તે દેવના વિશ્રામમાં પ્રવેશ પામ્યા. દેવે જેમ કહ્યું છે, “મેં મારા ક્રોધમાં સમ ખાધા કે: તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ.”‘ ગીતશાસ્ત્ર 95:11 દેવે આ કહ્યું. પણ સંસારની ઉત્પત્તિ કર્યા બાદ દેવનું કામ પૂરું થઈ ગયું હતું.
તે હજુ પણ સત્ય છે કે કેટલાએક દેવના વિશ્રામમાં પ્રવેશ પામશે. અને તેઓ કે જેઓને સુવાર્તા સાંભળવાની પ્રથમ તક મળી. પરંતુ તેઓએ આજ્ઞાનો ભંગ કર્યો, તેથી તેઓ પ્રવેશ કરી શક્યા નહિ.
પરંતુ દેવે આ માટે બીજો દિવસ નક્કિ કર્યો. અને તે “આજનો દિવસ” કહેવાય છે. દેવે આ દિવસની આગાહી ઘણા વર્ષો બાદ દાઉદ રાજા મારફતે કરી હતી. તેવું પવિત્રશાસ્ત્રમાં બતાવ્યું છે જેનો અમે હમણાં ઉલ્લેખ કર્યો: “આજે જો તમે દેવની વાણી સાંભળો, તો જેમ ભૂતકાળમાં કર્યુ તેમ તમારું હ્રદય તેની વિરૂદ્ધ કઠણ કરશો નહિ.” ગીતશાસ્ત્ર 95:7-8
દેવે પોતાનાં કામો કર્યા પછી વિશ્રાંતિ પ્રાપ્ત કરી. તે પ્રમાણે જો કોઈ દેવના વિશ્રામમાં પ્રવેશ મેળવે છે તે એનાં પોતાનાં કામો દ્ધારા વિશ્રામ મેળવી શકે છે.
તેથી આવો આપણે પણ એ વિશ્રામમાં પ્રવેશ મેળવવા પ્રયત્ન કરીએ. આપણે સખત પ્રયત્ન કરવો જોઈએ. જેથી જે લોકો આજ્ઞા ભંગ કરી વિશ્રામમાં સ્થાન મેળવવા નિષ્ફળ ગયા તેમ આપણા માટે ન થાય, તેની કાળજી રાખીએ.
કેમ કે દેવનો શબ્દ જીવંત છે અને ક્રિયાશીલ છે. બેધારી તરવાર કરતાં પણ તે વધુ તીક્ષ્ણ છે. તે જીવ અને આત્માને જુદા પાડે છે. સાંધા અને મજ્જાના બે ભાગ કરે છે. અને આપણાં હ્રદયના ઊંડા વિચારોનો ન્યાય કરે છે અને હ્રદયના વિચારો અને ભાવનાઓને પારખનાર છે.
આ દુનિયામાં દેવથી કશું જ છુપાવી શકાતું નથી. તે સઘળું સ્પષ્ટ જોઈ શકે છે. તેની સમક્ષ બધુંજ ઉઘાડું છે. અને તેથી આપણે આપણાં બધા જ કૃત્યોનો હિસાબ તેની સમક્ષ આપવો પડશે.
દેવનો પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રમુખ યાજક છે. જે આપણને મદદ કરવા અર્થે તે આકાશમાં ગયેલો છે. તેમનો વિશ્વાસ કરવામાં આપણે જે વિશ્વાસનો પૂરેપૂરો સ્વીકાર કરીએ છીએ તેને દઢ પણે ચાલુ રાખવો જોઈએ. આપણે કદી પાછા ન પડીએ.
ઈસુ, પ્રમુખ યાજક આપણી નિર્બળતાઓ સંપૂર્ણ રીતે સમજે છે, કારણ કે તે પૃથ્વી પર જીવ્યો છે, અને આપણા પર આવે છે તેવા સર્વ પરીક્ષણોમાંથી પસાર થયો છે, તેણે કદી પાપ કર્યુ નથી.