“તમાંરા યહોવા દેવ તમને જે દેશ આપે તેમાં જયારે તમે પહોંચશો ત્યારે તે તમાંરા અનાજના કોઠારો ભરીને તમને આશીર્વાદિત કરશે. અને તમે જે કાંઈ કામ કરશો તેમાં સફળતાનો આશીર્વાદ આપશે.
“યહોવાએ તમને જે દેશ આપવાનું તમાંરા પિતૃઓને વચન આપ્યું હતું તે દેશમાં યહોવા તમને ઘણાં સંતાનો, ઢોરઢાંખર તથા પુષ્કળ ઊપજ આપીને સર્વ સારાં વાનાં સાથે સમૃદ્વિ આપશે.
યહોવા તમાંરા દેશમાં તમાંરી ભૂમિ પર તમને પ્રત્યેક ઋતુમાં પુષ્કળ પાક આપવા માંટે આકાશના પોતાના સમૃદ્વ ભંડારને ખોલીને યથાઋતુ વૃષ્ટિ કરશે, અને ખેતીના પ્રત્યેક કામમાં લાભ આપશે, જેથી તમે બીજી ઘણી પ્રજાઓને ઉછીનું આપશો પણ તેઓથી કઇ પણ ઉછીનું લેશો નહિ.
આજે હું તમને તમાંરા દેવ યહોવાની જે આજ્ઞાઓ જણાવું છું તેનું તમે નિષ્ઠાપૂર્વક પાલન કરશો તો યહોવા તમને આગળ રાખશે, પાછળ રાખશે નહિ, અને તમે હંમેશા ઉપર રહેશો નીચે નહિ.
આજે મેં તમને જે નિયમો દર્શાવ્યા છે તેમાંથી તમે આમ કે તેમ જરાય ચલિત થશો નહિ, અને અન્ય દેવોની કદાપી સેવાપૂજા કરશો નહિ, તેના ઉપર આ સર્વ આશીર્વાદોનો આધાર છે.
“પરંતુ જો તમે તમાંરા દેવ યહોવાની આજ્ઞા નહિ પાળો અને આજે હું જે એમની આજ્ઞાઓ અને નિયમો જણાવું છું તેનું નિષ્ઠાપૂર્વક પાલન નહિ કરો તો આ સર્વ શ્રાપો તમાંરા પર ઊતરશે.
“કારણ કે યહોવા પોતે તેમનો શ્રાપ તમાંરા પર મોકલશે, યહોવા તમને શ્રાપ આપશે અને તમને વ્યાકુળ બનાવી દેશે. તમે જે કાંઇ કરશો તેમાં નિષ્ફળતા તથા આફતો આવશે. અંતે તમે થોડાજ સમયમાં નાશ પામશો. કારણ કે તમે દુષ્ટકર્મો કરીને યહોવાને છોડી દીધા છે.
જેથી તમે કોઈ આંધળો ધોળે દહાડે અંધારામાં ફાંફાં માંરે તેમ તમે ફાંફાં માંરશો છતાં તમને રસ્તો જડશે નહિ, સતત તમાંરું શોષણ થશે, તમે લૂંટાશો છતાં કોઈ તમને આવીને બચાવશે નહિ.
“તમાંરા વિવાહ કોઈ સ્ત્રી સાથે થશે, પરંતુ તેનો ઉપભોગ બીજો પુરુષ કરશે; તમે તમાંરા માંટે ઘર બાંધશો છતાં પણ તમે તેમાં રહેવા પામશો નહિ. દ્રાક્ષની વાડીઓ તમે કરશો પરંતુ તેનાં ફળ તમે ચાખી શકશો નહિ.
“યહોવા તમને અને તમાંરા નિયુકત કરેલા રાજાને વિદેશી પ્રજા વચ્ચે દેશવટે લઈ જશે કે જેનો તમે અને તમાંરા પિતૃઓએ કદીય વિચાર કર્યો નહિ હોય અને ત્યાં તમે લાકડાના અને પથ્થરના બનાવેલા બીજા જ દેવોની પૂજા કરશો.
તેથી તમે તમાંરા દુશ્મનોના ગુલામ બની જશો. યહોવા તમાંરા દુશ્મનોને તમાંરી વિરુદ્ધ લાવશે અને તમે ભૂખ્યા, તરસ્યા અને નગ્ન રહેશો અને પ્રત્યેક વસ્તુની અછત અનુભવશો. તેઓ તમાંરી ડોક પર લોખંડી ઝૂંસરી લાદશે અને છેવટે તમે મોતને ભેટશો.
જ્યાં સુધી તમાંરો નાશ ન થઇ જાય ત્યાં સુધી તેઓ તમાંરા ઢોરઢાંખર અને પાક લઇ જશે. તમાંરું અનાજ, નવો દ્રાક્ષારસ, જૈતતેલ, વાછરડાં, ઘેટાં બચશે નહિ, પરિણામે તમે મોત ભેગા થઈ જશો.
“તમાંરા દેવ યહોવા તમને જે ભૂમિ આપે છે તેમાંના બધાં નગરોને તેઓ ઘેરો ઘાલશે અને અંતે જે કોટો પર તમે સુરક્ષા માંટે આધાર રાખો છો, તે ઊંચા અને અભેધ કોટોને ભોંયભેંગા કરી નાખશે.
તે આફતના દિવસોમાં જ્યારે તમાંરા શહેરો પર દુશ્મનો ઘેરો ઘાલશે, કોઇ પણ ખાદ્ય સામગીર્ શહેરોની અંદર આવવા નહિ દે ત્યારે તમે યહોવા તમાંરા દેવે આપેલા તમાંરા પોતાના દીકરાનું અને દીકરીઓનું માંસ ખાશો.
તે પોતાના જ સંતાનનું માંસ ખાશે પણ કુટુંબના અન્ય સભ્યને તેમાંથી ભાગ આપવાની ના પાડી દેશે. તમાંરા દુશ્મનો તમાંરા શહેરોને ઘેરી લેશે અને તમને ખોરાક વિના તરફડાવશે ત્યારે તે આમ કરશે.
“તમાંરામાંની અતિ કોમળ, અને નમ્ર સ્ત્રી, કે જેણે ધરતી પર પગ મૂક્યો નથી, તે પણ પોતાના પતિ જેને તે પ્રેમ કરે છે અને તેના પુત્ર અને પુત્રી સાથે ક્રૂર બનશે.
તે પોતાના તાજા જન્મેલા બાળકને તેઓથી છુપાવશે અને બાળકના જન્મ વખતે તેના શરીરમાંથી નીકળતા દ્રવ્યો અને તે બાળક તે પોતે ખાઈ જશે. તમાંરા દુશ્મનો તમાંરા શહેરોને ધેરે, અને તમે ખોરાક વિના તરફડો ત્યારે તેણી આમ કરશે.
“જે રીતે યહોવાએ તમાંરા પર પ્રસન્ન થઈને તમાંરા માંટે અદભૂત કાર્યો કર્યા અને તમાંરી વંશવૃદ્ધિ પણ કરી તેટલી જ પ્રસન્નતા તેમને તમાંરો નાશ કરવામાં તેમ જ તમાંરું નિકંદન કાઢવામાં થશે. તમે જે પ્રદેશમાં દાખલ થાઓ છો તે પ્રદેશમાંથી તમને ઉખેડી નાખવામાં આવશે.
યહોવા તમને પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધીના બધા રાષ્ટોમાં વેરવિખેર કરી નાખશે. અને ન કે તમે અથવા તમાંરા પિતૃઓ જેને જાણતા ન હતા તેવા, લાકડાં તથા પથ્થરમાંથી બનાવેલા દેવોનું પૂજન કરશો.
“ત્યાં તે રાષ્ટોમાં તમને નહિ મળે શાંતિ કે નહિ મળે આરામ કરવાની કોઇ જગ્યા. ત્યાં યહોવા તમને ચિંતા, નિરાશા અને વિષાદથી ભરી દેશે. તમે સતત ભયને કારણે અધ્ધર રહેશો.
તમાંરા હૃદયમાં એવો ભય વ્યાપી જશે અને તમે એવાં દૃશ્યો જોશો કે દરરોજ સવારે તમે ઇચ્છશો કે ‘સાંજ પડે તો કેવું સારું!’ અને પ્રત્યેક સાંજે ઈચ્છશો કે ‘સવાર થાય તો કેવું સારું!’
યહોવાએ તમને વચન આપ્યું હતું કે તમાંરે મિસર પાછા જવાની જરૂર નહિ પડે, પરંતુ હવે યહોવા જાતે જ તમને વહાણોમાં બેસાડી મિસર પાછા મોકલી આપશે. ત્યાં તમે તમાંરી જાતને તમાંરા દુશ્મનોને ગુલામ તરીકે વેચવા તૈયાર થશો, છતાંય ત્યાં તમને ખરીદનાર કોઈ નહિ હોય.”