યહોવા મારા માલિક કહે છે, “જે નગરમાંથી હજારો યોદ્ધાઓ કૂચ કરી બહાર નીકળતા હતા ત્યાં માત્ર સો જ રહ્યાં હશે. અને જ્યાંથી સો કૂચ કરીને નીકળ્યા હતા ત્યાં પાછા ફરેલા માત્ર દસ જ હશે.”
યહોવાને શોધો, તો તમે જીવશો, તેમ નહિ કરો તો તે અગ્નિની જેમ યૂસુફના ઘરની આરપાર, પ્રસરી જશે. તે ભસ્મ કરી નાખશે અને બેથેલ પાસે તેને ઓલવવા માટે કોઇ નહિ હોય.
જે કૃત્તિકા સપ્તષિર્ અને મૃગશિરનો રચનાર છે, જે ગાઢ અંધકારને પ્રભાતમાં ફેરવી નાખે છે. અને દિવસને અંધારી રાતમાં ફેરવી નાખે છે, જે સાગરના જળને બોલાવીને વરસાદ તરીકે પૃથ્વી પર વરસાવે છે, તેનું નામ યહોવા છે.
તમે ગરીબોને પગ તળે કચડો છો અને તેમની પાસેથી અનાજ પડાવી લો છો, તેથી તમે ઘડેલા પથ્થરનાઁ જે ઘર બાંધ્યાં છે, તેમાં તમે રહેવા નહિ પામો. તમે રમણીય દ્રાક્ષાવાડીઓ રોપી છે, પણ તેનો દ્રાક્ષારસ તમે પીવા નહિ પામો;
કારણકે તમારાં પાપો ઘણા છે અને ખૂબ ત્રાસદાયક છે. હું જાણું છું કે જે ન્યાયના માર્ગને અનુસરે છે, તેને હેરાન કરો છો, ને તમે લાંચ લો છો અને ગરીબને ન્યાયાલયમાં ન્યાયથી વંચિત રાખો છો.
આથી સૈન્યોનો યહોવા મારા માલિક કહે છે, “શેરીને ખૂણે ખૂણે શોક થશે, શેરીએ શેરીએ હાય! હાય! ના પોકારો સંભળાશે. લોકો ધંધાદારી રાજિયા ગાનારાઓ સાથે ખેડૂતોને પણ આક્રંદ કરવા બોલાવશે;
તમે કહેશો, “યહોવાનો દિવસ પાસે હોત તો કેવું સારું; દેવ સર્વ શત્રુઓથી અમારો બચાવ કરે. પણ તમને તે દિવસનો સ્પષ્ટ ખ્યાલ નથી. તે દિવસ પ્રકાશ અને સમૃદ્ધિ નહિ પરંતુ અંધકાર અને ન્યાય શાસન લાવશે.