દાઉદે જણાવ્યું, “મારો પુત્ર સુલેમાન યુવાન અને બિનઅનુભવી છે. યહોવા માટે જે મંદિર બાંધવાનું છે તે ખૂબ ભવ્ય અને દેશવિદેશમાં વિખ્યાત થવું જોઇએ. એટલે તેના માટે બધો જ સામાન મારે જ ભેગો કરવો જોઇએ.” આથી તેણે પોતાના મૃત્યુ પહેલા બાંધકામની સર્વ સામગ્રી એકઠી કરી તૈયાર કરી નાખી.
પણ તને એક પુત્ર થશે; તે શાંતિપૂર્વક રાજ્ય કરશે, કારણકે આસપાસના શત્રુ દેશો તરફથી હું તેને સુરક્ષિત બનાવીશ. તેને સુલેમાન નામ અપાશે અને તેના રાજ્યકાળ દરમ્યાન ઇસ્રાએલ શાંતિ અનુભવશે.
યહોવાએ ઇસ્રાયેલને માટે મૂસાને જે નિયમો અને કાનૂનો જણાવેલાં છે તેનું તું કાળજીપૂર્વક પાલન કરશે તો જ તું સફળ થશે. બળવાન થજે, મક્કમ રહેજે. હિંમત હારીશ નહિ કે ગભરાઇશ નહિ.
“મેં પુષ્કળ મહેનત કરીને યહોવાના મંદિર માટે 3,750 ટન સોનું, 37,500 ટન ચાંદી, અને જોખ્યું જોખાય નહિ તેટલું કાંસુ અને લોઢું એકઠાં કર્યા છે. લાકડાં અને પથ્થર પણ મેં ભેગા કર્યા છે, પણ તારે થોડા વધારે એકઠાં કરવા પડશે.
વળી તેણે કહ્યું, “યહોવા તમારા દેવ તમારી સાથે છે. આસપાસની પ્રજાઓ સાથે તેમણે તમને શાંતિ આપી છે, કારણકે યહોવાના નામમાં અને તેમના લોકોને માટે મેં તેઓ પર જીત મેળવી છે.
આથી હવે પૂરા હૃદયથી યહોવા, તમારા દેવના હૂકમોને પાળો. ઊભા થાવ અને યહોવા આપણા દેવ માટે પવિત્રસ્થાન બનાવો. ટૂંક સમયમાં તમે યહોવાના કરારકોશને અને દેવના પવિત્ર વાસણોને મંદિરમાં લાવશો જે યહોવાને નામે સમપિર્ત કરવામાં આવશે.”