ના! જગતના બધા જ લોકો ભલે જૂઠા સાબિત થાય. તો પણ દેવ તો સાચો જ ઠરે. શાસ્ત્રોમાં કહ્યું છે તેમ: “તારા વચનો સત્ય સાબિત થશે, અને તારા ન્યાયમાં તું હંમેશા વિજયવંત થઈશ.” ગીતશાસ્ત્ર 51:4
જ્યારે આપણે ખોટું કરીએ છીએ ત્યારે, તે સ્પષ્ટતાથી દર્શાવે છે કે દેવ સાચો છે. જો આ બાબત હોય તો પછી આપણે કહી શકીએ કે આપણને શિક્ષા કરવી તે દેવ માટે અયોગ્ય છે? (હું માણસોની રૂઢિ પ્રમાણે બોલું છું.)
કોઈ વ્યક્તિ આવી દલીલ કરી શકે? “જો હું જૂઠ્ઠુ બોલું, તો તેનાથી દેવની કીર્તિ વધશે, કેમકે મારું અસત્ય દેવના સત્યને પ્રગટ કરશે. તો પછી શા માટે મને પાપી ઠેરવો છો?”
કેટલાએક લોકો એવો દાવો કરે છે કે આમ કહેવું એ એમ કહેવા બરાબર છે કે, “આપણે અનિષ્ટ કરવું જોઈએ જેથી સારું થાય.” આગમન થાય તે રીતે ખોટા દાવાઓ કરીને લોકો અમારા પર આરોપ મૂકે છે, કે અમે એ રીતે ઉપદેશ આપીએ છીએ કે જે લોકો ખોટા દાવા કરે છે તે ખોટા છે ને દેવે તેમને શિક્ષા કરવી જોઈએ.
જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર જે કહે છે તે બાબતો એવા માણસોને સંબોધીને કહેવામાં આવી છે કે જેઓ નિયમ હેઠળ છે. આ બાબત તેમને કોઈ પણ બહાના કાઢતા અટકાવે છે. તેથી આખું વિશ્વ દેવના ચુકાદા સામે ઉઘાડું પડી જશે.
નિયમશાસ્ત્ર વિના લોકોને સાચા બનાવવા માટે હવે દેવ પાસે એક નવો માર્ગ છે. અને એ નવો માર્ગ દેવે આપણને બતાવ્યો છે. જૂના કરારે અને પ્રબોધકોએ આપણને આ નવા માર્ગ વિષે અગાઉ કહેલું જ છે.
દેવે ઈસુને એવા માર્ગ તરીકે આપ્યો જેનાથી વિશ્વાસ દ્વારા લોકોના પાપોને માફી મળી છે. દેવ ઈસુના રક્ત દ્વારા માફ કરે છે. આના દ્વારા દેવે દર્શાવ્યું કે તે ન્યાયી હતો. જ્યારે ભૂતકાળમાં થયેલા લોકોનાં પાપોને તેની સહનશીલતાને લીધે તેણે દરગુજર કર્યા.
અને હવે આપણી વચ્ચે ઈસુને મોકલીને દેવ એ બતાવવા માગે છે કે દેવ જે કરે છે તે સત્ય છે. દેવે આમ કર્યુ જેથી તે ન્યાયોચિત ન્યાય આપતી વખતે ઈસુમાં જેને વિશ્વાસ છે તેને તે જ સમયે ન્યાયી ઠરાવશે.
તો પછી પોતાના માટે વડાઈ કરવાનું ક્યાં રહ્યું? તેનું સ્થાન નથી. નિયમશાસ્ત્ર જે કામની અપેક્ષા રાખે છે તેને અનુસરવાથી નહિ પણ વિશ્વાસના માર્ગે કે જેમાં વડાઈનો સમાવેશ થયેલ નથી.
તો એવું કેમ હશે? કારણ કે આપણે માનીએ છીએ કે નિયમ મુજબ મનુષ્યો જે કઈ કરે છે તેને લીધે નહિ, પરંતુ દેવમાં વિશ્વાસ દ્વારા જ દેવ આપણને ઉદ્ધારને યોગ્ય બનાવે છે. લોકો નિયમશાસ્ત્રની કરણીઓથી નહિ પણ વિશ્વાસથી ન્યાયી ઠરે છે.