પ્રભુના નામે દેવના લોકોને શોભે તે રીતે તેનું સન્માન કરજો. તેણે ઘણા લોકોને તથા મને મદદ કરી છે. તેથી તે પણ તમારી પાસે મદદની માગણી કરે ત્યારે તેને સહાય કરજો.
અને વળી એમના ઘરમાં જે મંડળી છે તેને પણ મારી સલામ કહેશો. મારા પ્રિય મિત્ર અપૈનિતસને મારા સ્નેહસ્મરણ પાઠવશો. આસિયા માઈનોરના પશ્ચિમ વિસ્તારમાં ખ્રિસ્તનો શિષ્ય થનાર તે પહેલો માણસ હતો.
આન્દ્રનિકસ અને જુનિયાસને સલામ કહેજો. તેઓ મારા સંબંધી છે, અને તેઓ મારી સાથે કેદમાં હતા. તેઓ તો દેવના કેટલાક અત્યંત મહત્વપૂર્ણ કાર્યકરોમાંના છે. મારી અગાઉ તેઓ ખ્રિસ્તમાં વિશ્વાસી હતા.
અપેલ્લેસને મારી સલામ કહેશો. તેની પરીક્ષા કરવામાં આવી હતી અને સાબિત થયું હતું કે તે ખ્રિસ્તને ખરેખર પ્રેમ કરે છે. અરિસ્તોબુલસના કુટુંબના સૌ સભ્યોને મારી સલામ પાઠવશો.
ત્રુંફૈના અને ત્રુંફોસાની મારા વતી ખબર પૂછશો. પ્રભુ માટે આ સ્ત્રીઓ ઘણી સખત મહેનત કરી રહી છે. પેર્સિસને મારી સ્નેહભીની યાદ પાઠવશો. એણે પણ પ્રભુ માટે ઘણો સખત પરિશ્રમ કર્યો છે.
ભાઈઓ તથા બહેનો, એક બીજા વચ્ચે જે લોકો ફાટફૂટ પડાવે છે એવા લોકોથી સંભાળીને રહેવા હું તમને કહું છું. અન્ય લોકોને વિશ્વાસ ડગાવી દેતા લોકોથી ચેતતા રહેજો. તમે જે સાચો ઉપદેશ શીખ્યા છો તેના તેઓ વિરોધી છે. એવા લોકોથી દૂર રહેજો.
એવા લોકો આપણા પ્રભુ ખ્રિસ્તની સેવા કરતા નથી. તેઓ ખ્રિસ્તને માનતા નથી. તેઓ તો ફક્ત પોતાની જાતને મઝા પડે એવાં કામો કરતા ફરે છે. જે સીધા-સાદા લોકો ભૂંડું કે પાપ વિષે કશું જાણતા નથી, એમનાં સરળ અને ભોળાં મનને ભરમાવવા તેઓ મીઠી-મીઠી કાલ્પનિક વાતો કરે છે.
તમે લોકો દેવની આજ્ઞા પાળો છો, એમ બધા વિશ્વાસીઓએ સાંભળ્યું છે. તેથી એ વિષે તમારે લીધે મને ઘણો આનંદ થાય છે. પરંતુ જે બધી વસ્તુઓ સારી છે તે તમે જાણો અને સમજો એમ હું ઈચ્છું છું. અને જે બાબતો ભૂંડી છે તે વિષે તમે બિલકુલ ન જાણો એમ પણ હું ઈચ્છું છું.
ગાયસ એનું ઘર મને તથા અહીંની આખી ખ્રિસ્તની મંડળીને વાપરવા દે છે. તે પણ તમને સલામ પાઠવે છે. એરાસ્તસ અને આપણો ભાઈ કવાર્તસ તમારી ખબર પૂછે છે. એરાસ્તસ અહીંનો નગર-ખજાનચી છે.
દેવનો મહિમા થાઓ. એક માત્ર દેવ જ તમારા વિશ્વાસને દ્રઢ કરી શકે છે. જે સુવાર્તાનો ઉપદેશ હું તમને ધર્મમાં તમારો વિશ્વાસ મજબૂત કરવા આપું છું, એ સંદેશનો સદુપયોગ દેવ હવે કરી શકશે. સુવાર્તા એટલે કે લોકોનાં પાપ માફ થઈ શકે અને તેઓ દેવના સાન્નિધ્યમાં રહેવા સુપાત્ર થાય, એવો માર્ગ હવે દેવે સૌ માટે ખૂલ્લો કરી દીધો છે. એ સુવાર્તા ઈસુ ખ્રિસ્ત વિષે છે કે જે હું લોકોને કહું છું. સુવાર્તા એક ગુપ્ત સત્ય છે કે જે હવે દેવે જાહેર કર્યુ છે. ઘણા વર્ષોથી એ રહસ્યમય સત્ય છુપાવી રાખવામાં આવ્યું હતું.
પરંતુ એ ગુપ્ત સત્ય હવે આપણી આગળ પ્રગટ કરી દેવામાં આવ્યું છે. અને હવે બધા જ દેશોના લોકોને એ સત્યથી માહિતગાર કરવામાં આવ્યા છે. પ્રબોધકોએ લખેલાં વચનો દ્વારા એ સત્ય જાહેર કરવામાં આવ્યું છે. દેવની આજ્ઞા આવી જ છે. અને તે ગુપ્ત સત્ય સૌ લોકોને હવે જણાવ્યું છે, જેથી કરીને તેઓ દેવ પર વિશ્વાસ કરે અને એની આજ્ઞાઓ પાળે. દેવ તો અવિનાશી છે.