હે મારા લોકો, યાદ રાખજો કે મોઆબના રાજા બાલાકે કેવી રીતે અનિષ્ટ યોજના કરી હતી, અને બયોરના પુત્ર બલામે તેનો કેવી રીતે ઉત્તર આપ્યો હતો? યાદ રાખજો કે શિટ્ટીમથી ગિલ્ગાલને શું બન્યું હતું, જેથી તમે યહોવાના ન્યાયી કાર્યોને સમજી શકશો.”
જો તમે હજારો ઘેટાં અને 10,000 કરતાં વધારે જૈતતેલની નદીઓનું તેમને અર્પણ કરો, તો શું તે રાજી થશે? શું તેનાથી તેને સંતોષ થશે? શું હું મારા પ્રથમ જન્મેલા બાળકનું મારા આત્માના પાપ માટે બલિદાન કરું? મારા અપરાધો માટે મારું પોતાનું શરીર ફળ ભોગવશે.
ઓ માનવી, શું સારું છે તે તેણે તમને જણાવ્યું છે. અને તમારી પાસેથી યહોવાને તો એટલું જ જોઇએ છે, ફકત તમે ન્યાય આચરો, દયાભાવને ચાહો અને તમારા દેવ સાથે નમ્રતાથી ચાલો.
તમે ખાશો પણ સંતોષ નહિ પામો; ભૂખ્યા જ રહેશો, તમે બચવાના ઘણા પ્રયત્નો કરશો, પણ સફળ નહિ થાઓ. તમે જે કંઇ બચાવશો તે હું, જેઓએ તમને હરાવ્યા છે તેમને સોંપી દઇશ.
તમે રાજા ઓમરી અને તેના વંશજ આહાબના કુરિવાજો પાળ્યા છે, તમે તેમને પગલે ચાલ્યાં છો, તેથી હું તમને ખેદાનમેદાન કરી નાખીશ; તમારા લોકો હાંસી પાત્ર બની જશે અને સૌ કોઇ તમારું અપમાન કરશે.”