યહોવા પૂછે છે, “સમુદ્રની પેલે પારના દેશો, મારી આગળ મૌન જાળવો, સાંભળો, તમારી સબળ દલીલો રજૂ કરો, સજ્જ થાઓ, મારી પાસે આવો અને બોલો, અદાલત તમારા પ્રશ્ર્ન માટે તૈયાર છે.
પૂર્વમાંથી આ વ્યકિતને કોણે ઊભી કરી છે, જેને પગલે પગલે વિજય મળે છે? તેને ઊભો કરનાર બીજો કોઇ નહિ પણ યહોવા પોતે જ છે. એમની તરવારથી તેઓ રજકણની જેમ વેરાઇ જાય છે. અને એનાં ધનુષ્યથી તેઓ તરણાંની જેમ ઊડી જાય છે.
આરંભથી આ બધું કરાવનાર કોણ છે? અનાદિકાળથી માનવજાતના સર્વ વ્યવહારને માર્ગદર્શન આપીને આ સર્વ પરાક્રમી કાર્યો કરનાર કોણ છે? એ હું યહોવા છું, હું પહેલો હતો અને છેલ્લો પણ હું જ છું.
સુથાર સોનીને ઉત્તેજન આપે છે, હથોડીથી મૂર્તિને લીસી બનાવનાર એરણ પર ઘણ મારનારને ઉત્તેજન આપે છે, તેઓએ કહ્યું, ‘સાંધો મજબૂત થયો છે.’ તે ખીલા સાથે મૂર્તિને એવી જડે છે કે પડી ન જાય.
“દુ:ખી અને દરિદ્રીઓ પાણી શોધશે, પણ મળશે નહિ, તેઓની જીભો તરસથી સુકાઇ જશે. ત્યારે તેઓ મને પોકાર કરશે અને હું તેમનો પોકાર સાંભળીશ; હું ઇસ્રાએલનો દેવ, તેમનો ત્યાગ નહિ કરું.
“હું એક જણને ઉત્તરમાંથી બોલાવી લાવ્યો અને તે આવ્યો; પૂર્વમાંથી તે મારા નામે બોલાવે છે, અને કોઇ કુંભાર માટીનો ઢગલો ખૂંદતો હોય એમ તે રાજકર્તાઓને ખૂંદતો આવશે.”
મારા સિવાય તમને કોણે કહ્યું હતું કે આ પ્રમાણે થશે? બીજા કોણે અગાઉથી કહ્યું હતું કે આમ થવાનું છે જેથી આપણે એમ કહી શકીએ કે તેઓ સાચા હતાં? કોઇએ તેમ કહ્યું નહોતું! તેઓએ તો આના વિષે સાંભળ્યું પણ નહોતું!
પણ જ્યારે તમારી મૂર્તિઓ વચ્ચે જોયું, ત્યાં કોઇ સલાહકાર નથી, કોઇપણ નહિ જે હું જ્યારે સવાલ પૂછું ત્યારે જવાબ આપી શકે. મેં પ્રશ્ર્ન કર્યો ત્યારે તેમના એક પણ દેવે પ્રત્યુત્તર આપ્યો નહિ.