તેણે હાથ જેવું લંબાવીને મારા વાળ પકડ્યા પછી દેવના આત્માએ મને આકાશ અને પૃથ્વીની વચ્ચે ઉપાડી લીધો અને દેવના સંદર્શનમાં તે મને યરૂશાલેમના મંદિરના ઉત્તર તરફના અંદરના દરવાજા પાસે લઇ ગયો, જ્યાં તિરસ્કૃત મૂર્તિ હતી, જે જોઇને યહોવા રોષે ભરાય છે.
પછી યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, એ લોકો શું કરે છે તે તમે જોયું? અહીં ઇસ્રાએલીઓ જે અધમ કૃત્યો કરે છે તેને લીધે હું મારા મંદિરમાંથી દૂરને દૂર થતો જાઉં છું. પણ તમે આનાથી પણ વધુ અધમ કૃત્યો જોવા પામશો.”
પછી યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, તેં જોયું કે ઇસ્રાએલીઓના આગેવાનો અહીં અંઘારામાં પોતપોતાની મૂર્તિના ગોખલા આગળ શું કરે છે? એ લોકો એમ માને છે કે, ‘યહોવા અમને જોતા નથી, તે તો દેશને છોડીને ચાલ્યા ગયા છે.”‘
પછી તે મને યહોવાના મંદિરના અંદરના ચોકમાં લઇ આવ્યા. તો ત્યાં મંદિરના પ્રવેશદ્વાર આગળ, મંદિર અને વેદીની વચ્ચે આશરે પચીસ માણસો પવિત્રસ્થાન તરફ પીઠ કરીને અને પૂર્વાભિમુખ થઇને ઊગતા સૂરજની પૂજા કરવા માટે નીચે નમતા હતા.
યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, શું તેં આ જોયું? યહૂદાના લોકો આવા ભયંકર પાપ કરે છે તો શું તેઓ એવું વિચારી રહ્યા છે કે તેઓ જે કરી રહ્યાં છે તે ક્ષુલ્લક વસ્તુ છે? તેઓએ સમગ્ર દેશને અપવિત્ર મૂર્તિપૂજા તરફ વાળ્યો છે. તેઓએ સર્વત્ર હિંસા ફેલાવી છે. તેઓ નાકે ડાળી રાખીને મારું અપમાન કરે છે અને મને વધુને વધુ કોપાયમાન કરે છે.
તેથી હું તેઓ પર મારો રોષ જરૂર ઉતારીશ. હું તેમના ઉપર દયા કરીશ નહિ કે હું તેમના પર સહાનુભૂતિ બતાવીશ નહિ, તેઓ દયા માટે મોટા સાદે પોકાર કરશે છતાં હું તેમને સાંભળીશ નહિ.”