તેઓ એમ વિચારે છે કે, ‘આપણે થોડીવારમાં યરૂશાલેમને ફરીથી બાંધીશું, આપણું નગર લોખંડની કઢાઇ સમાન છે, આપણે એમાંનું માંસ છીએ અને તે આપણને સર્વ નુકશાનમાંથી બચાવશે.’
ત્યાર બાદ યહોવાનો આત્મા મારામાં આવ્યો અને યહોવાએ મને કહ્યું; “તું તેઓને કહે: આ યહોવાના વચન છે; હે ઇસ્રાએલીઓ, તમે શું કહો છો અને તમે શી યોજનાઓ ઘડો છો તે હું જાણું છું.
તેથી હું યહોવા તમારો માલિક, તમને કહું છું કે, ‘આ નગર કઢાઇ છે એ ખરું, પણ એમાનું માંસ તમે નથી; માંસ તો તમે આ શહેરમાં જે મડદાં નાખ્યાં છે તે છે; તમને તો હું એની બહાર ફેંકી દેનાર છું.
હું આ ચેતવણી આપતો હતો તે દરમ્યાન ત્યાં જ બનાયાનો પુત્ર પલાટયા ઢળી પડીને મરી ગયો, હું ઊંધે મોઢે ભોંય પર પડ્યો અને મેં બૂમ પાડી, “હે યહોવા મારા માલિક, તારે બાકી રહેલા બધા ઇસ્રાએલીઓનો સંપૂર્ણ વિનાશ કરવો છે?”
“હે મનુષ્યના પુત્ર, યરૂશાલેમમાં અત્યારે જે લોકો રહે છે તે લોકો તારા વિષે અને દેશવટો ભોગવતા તારા બધા ઇસ્રાએલી જાતભાઇઓ વિષે એમ કહે છે કે, ‘એ લોકોને તો યહોવાથી દૂર કાઢવામાં આવ્યા છે; દેશ તો અમને સોંપી દેવામાં આવ્યો છે; એ અમારી મિલકત છે.”
“તેથી યહોવા અમારા માલિક કહે છે: ‘જો કે મેં તેઓને વિશ્વના વિવિધ દેશોમાં વિખેરી નાખ્યા છે છતાં પણ તેઓ જે દેશમાં છે ત્યાં હું તેઓને માટે એક નાના પવિત્રસ્થાનરૂપ થઇશ.
હું તેમનું હૃદય પરિવર્તન કરી નાખીશ અને તેમનામાં નવો આત્મા પૂરીશ, હું તેમનામાંથી પથ્થર જેવું હૃદય લઇને, તેમને માંસનું હૃદય આપીશ. પછી તેઓ મારા નિયમોનું પાલન કરશે અને મેં જણાવેલ માગેર્ ચાલશે.