ગાદ કુલસમૂહના પણ કેટલાક માણસો શાઉલને છોડીને વગડાના ગઢમાં દાઉદની સાથે ભળી ગયા. તેઓ બળવાન અને કેળવાયેલા યોદ્ધાઓ હતા. અને ભાલો અને ઢાલ વાપરવામાં પાવરધા હતા. તેઓ સિંહ જેવા વિકરાળ અને પર્વત પરનાં હરણો જેવા ચપળ હતા.
દાઉદ તેમની સામે ગયો અને બોલ્યો, “જો તમે મિત્ર તરીકે મને મદદ કરવા આવતા હો તો હું તમારું સ્વાગત કરું છું. મારી સાથે જોડાઇ જાઓ. પણ મેં કઇં નુકશાન કર્યુ ન હોવા છતાં તમે દગો કરીને મને મારા દુશ્મનોના હાથમાં સોંપી દેવાની ઇરછાથી આવ્યા હો, તો આપણા પિતૃઓના દેવ એ ધ્યાનમાં લો અને તમને સજા કરો.”
તે જ વખતે દેવના આત્માએ’ત્રીસ વીરો’ ના નાયક અમાસાયમાં પ્રવેશ કર્યો અને તે બોલી ઊઠયો:“હે દાઉદ, અમે તમારા પક્ષે છીએ, હે યશાઇ પુત્ર, અમે તારી સાથે છીએ, તારો જય હો! તારા સાથીઓનો જય હો! દેવ તારી સહાયમાં છે!”દાઉદે તેમને આવકાર આપ્યો અને તેમને પોતાની ટૂકડીઓના નાયક બનાવ્યા.
દાઉદ જ્યારે શાઉલ સાથે લડવા પલિસ્તીઓ ભેગો જતો હતો ત્યારે મનાશ્શાના કુલસમૂહના કેટલાક માણસો ફૂટી જઇને તેની સાથે મળી ગયા હતા. જો કે દાઉદે પલિસ્તીઓને ખરેખર મદદ કરી નહોતી; ખુદ તેમના રાજવીઓએ નિર્ણય કર્યા પછી એવું કહીને તેને જાકારો દીધો હતો કે, “જો એ ફૂટીને પોતાના ધણી શાઉલને મળી ગયો તો આપણા મસ્તક જશે.”
જ્યારે દાઉદ સિકલાગ જતો હતો, ત્યારે મનાશ્શાના વંશના નીચેના માણસો એ પોતાના લોકોને છેતરીને તેની સાથે જોડાયા હતા; આદનાહ, યોઝાબાદ યદીઅએલ, મિખાયેલ, અલીહૂ અને સિલ્લથાય. એ બધા જ મનાશ્શાના લોકોના આગેવાન હતા અને તેઓ હર એક હજાર હજાર યોદ્ધાઓના નાયકો હતા.
પાસેના લોકો અને દૂરના ઇસ્સાખાર, ઝબુલોન અને નફતાલી લોકો ગધેડાં, ઊંટો, ખચ્ચરો અને બળદો પર ખોરાક લઇ આવ્યા. મોટા જથ્થામાં મેંદો, અંજીરના ચકતાં, દ્રાક્ષની લૂમો, દ્રાક્ષારસ, તેલ અને મોટી સંખ્યામાં ઢોરઢાંખર અને ઘેટાં ઉજવણી માટે લાવવામાં આવ્યાં, કારણકે આખો દેશ આનંદોત્સવ મનાવતો હતો.