અદોમના નગર બોસ્રાહથી આ કોણ આવે છે? કિરમજી રંગના શોભાયમાન વસ્ત્રોમાં સજ્જ થઇને વીરત્વ ભરી ચાલે આ કોણ આવે છે? એ તો હું યહોવા છું. “તમારું તારણ પ્રગટ કરું છું. તમારો ઉદ્ધાર કરવાને શકિતમાન અને સમર્થ એવો હું યહોવા છું.”
“મેં એકલાએ દ્રાક્ષ ગૂંદી છે. મને મદદ કરવા માટે ત્યાં કોઇ ન હતું. મારા ક્રોધમાં મેં મારા શત્રુઓને દ્રાક્ષાની જેમ ગૂંદી નાખ્યા, રોષે ભરાઇને મેં તેમને રોળી નાખ્યા અને તેમના લોહીની પિચકારી મારાં વસ્ત્રો ઉપર ઊડી અને મારાં વસ્ત્રો બધાં ખરડાઇ ગયા.
યહોવાના ઉપકારો હું સંભારીશ અને આપણે માટે એણે જે કાઇં કર્યું છે તે માટે હું તેના ગુણગાન ગાઇશ. પોતાની અપાર કરુણા અને દયાથી પ્રેરાઇને તેણે ઇસ્રાએલના લોકોનું ભારે મોટું કલ્યાણ કર્યું છે.
અને તેણે તેઓને બધાં સંકટોમાંથી ઉગારી લીધા. તેઓને બચાવવા માટે તેણે કોઇ દૂત નહોતો મોકલ્યો, તે જાતે આવ્યા હતા. તેણે ઊંચકીને ભૂતકાળમાં બધો સમય તેઓને ઉપાડ્યા કર્યા.
પછી તેમણે તેમના સેવક મૂસાના જૂના દિવસો યાદ કર્યા અને કહેવા લાગ્યા, પોતાના લોકોના આગેવાનને સમુદ્રમાંથી પાર ઉતારનાર યહોવા ક્યાં છે? તેમનામાં પોતાના આત્માનો સંચાર કરનાર એ ક્યાં છે?
પોતાના સંપૂર્ણ સાર્મથ્યથી મૂસાની સાથે રહેનાર ક્યાં છે? પોતાના લોકોને માટે જળના બે ભાગ કરી તેમને સમુદ્રમાંથી દોરી લાવી અમર કીતિર્ પ્રાપ્ત કરનાર ક્યાં છે?
હજુ પણ સાચે જ તમે અમારા પિતા છો! જો ઇબ્રાહિમ અને ઇસ્રાએલ(યાકૂબ) અમારો અસ્વીકાર કરે તોયે, હે યહોવા, તું અમારો પિતા છે, પ્રાચીન સમયથી તું ‘અમારો ઉદ્ધારક’ એ નામથી ઓળખાતો આવ્યો છે.