યહોવા મારા માલિકે, તેનો આત્મા મારામાં મૂક્યો છે, કારણ, તેણે મારો અભિષેક કર્યો છે. તેણે મને દીનદુ:ખીઓને શુભસમાચાર સંભળાવવા, ભાંગેલા હૈયાના ઘા રૂઝાવવા, કેદીઓને છુટકારાની, ને બંદીવાનોને મુકિતની જાહેરાત કરવા મોકલ્યો છે.
જે લોકો શોક કરે છે તેઓને એમ કહેવા મને મોકલ્યો છે કે, તમારા માટે યહોવાની કૃપાનો દિવસ આવી પહોંચ્યો છે. અને તમારા શત્રુઓ માટે યહોવાના કોપનો દિવસ આવી પહોંચ્યો છે.
તેણે મને સૌ દુ:ખીઓને સાંત્વના આપવા, તેમનો શોક હર્ષમાં ફેરવવા, એમનાં ભારે હૈયાને સ્તુતિનાં ગીતો ગાતાં કરવા મોકલ્યો છે. એ લોકો યહોવાએ પોતાના મહિમા માટે રોપેલાં ‘ધર્મનાં વૃક્ષો કહેવાશે.’
“તમારે બેવડી શરમ અનુભવવી પડી હતી, અપમાન અને તિરસ્કાર વેઠવાં પડ્યા હતાં; તેથી હવે તમને તમારા પોતાના દેશમાં બમણી સંપત્તિ પ્રાપ્ત થશે, અને તમે શાશ્વત આનંદ ભોગવશો.
યહોવા કહે છે, હું યહોવા ન્યાયને ચાહું છું, હું લૂંટ અને અયોગ્ય કાર્યને ધિક્કારું છું. હું દુ:ખ સહન કરતા મારા લોકોને વિશ્વાસુપણે બદલો આપીશ અને તેઓની સાથે સદાકાળનો કરાર કરીશ.