દેવ કહે છે, “આ તો નૂહના વખતના જેવું છે, જેમ તે વખતે મેં પ્રતિજ્ઞા કરી હતી કે, હું ફરી કદી પૃથ્વી ઉપર જળપ્રલય નહિ લાવું. તેમ આજે હું તને વચન આપું છું કે, ફરી કદી હું તારા પર ગુસ્સો કરીશ નહીં, કે તને ઠપકો દઇશ નહિ.”
યહોવા કહે છે, “ભલે પર્વતો ખસી જાય અને ડુંગરોનું અસ્તિત્વ નાશ પામે, પણ મારી ભલાઇ હંમેશા તમારી સાથે રહેશે. તમારી સાથે કરેલો મારો શાંતિનો કરાર કદી ખંડિત થશે નહિ.” એમ તમારા પર દયા કરનાર યહોવા કહે છે.
જો કોઇ પ્રજા તારી વિરુદ્ધ યુદ્ધ કરવા આવે, તો તને શિક્ષા કરવાના હેતુથી હું તેઓને તારી પાસે મોકલીશ નહિ. જો તેઓ યુદ્ધ કરશે, તો પણ તેઓનો નાશ કરવામાં આવશે કેમ કે હું તારા પક્ષમાં છું.
“પરંતુ હવે તારી વિરુદ્ધ વાપરવા માટે બનાવેલ કોઇ પણ હથિયાર કામ આવશે નહિ, અને ન્યાયલયમાં તારી સામેના એકેએક આરોપને હું ખોટા પાડીશ, તને ન્યાય મળશે. “મારા સેવકોનો આ વારસો છે, હું તેમને વિજય અપાવીશ,” આ યહોવાના વચન છે.