હું જાણું છું એફ્રાઇમ શું કરી રહ્યું છે. ઇસ્રાએલના કૃત્યો મારાથી છુપા નથી. હા, હું જાણું છું કે, એફ્રાઇમ વારાંગનાની જેમ ર્વત્યુ. ઇસ્રાએલ અપવિત્ર બન્યું.
અંતે તેઓ દેવની શોધ કરવા પોતાના ઘેટાં, બકરાં અને ઢોરઢાંખર સાથે આવશે અને તેઓનું બલિદાન દેવને અર્પશે. પરંતુ ત્યારે ઘણું જ મોડું થઇ ગયું હશે. તેઓ યહોવાને શોધી શકશે નહિ. દેવ તેઓથી વિમુખ થશે અને તેઓને એકલા મૂકી દેવામાં આવશે.
યહોવા કહે છે, “યહૂદાના આગેવાનો દુષ્ટ લોકોની જેમ ર્વત્યા; જેમણે પાડોશીઓની જમીનની સરહદના પથ્થરો ખસેડ્યાં. તેમના ઉપર હું મારો ક્રોધ પાણીના ધોધની જેમ વહેવડાવીશ.
જ્યારે ઇસ્રાએલને પોતાના રોગની ખબર પડી અને યહૂદાએ પોતાનો ઘા જોયો, ત્યારે ઇસ્રાએલે આશ્શૂર જઇ સમ્રાટને તેડાવ્યો. પણ તે તેમને સાજો કરી શકે એમ નથી કે, તેમના ઘા રૂજાવી શકે એમ નથી.
કારણ સિંહની જેમ હું એફ્રાઇમ અને યહૂદાના લોકો પર આક્રમણ કરીશ. હું મારી જાતે તેમને ટુકડાઓમાં ભાંગી નાખીશ અને દૂર ફેંકી દઇશ. હું તેઓને જ્યારે લઇ જઇશ ત્યારે તેઓની રક્ષા કોઇ કરી શકશે નહિ.