પણ હોશિયાએ તેને દગો આપ્યો અને મિસરના રાજા ‘સો’ને સંદેશો મોકલ્યો. અને તે ખંડણી ભરતો હતો તે પણ ભરી નહિ પાછળથી જ્યારે રાજાને આની ખબર પડી ત્યારે તેને પકડીને કેદમાં પૂર્યો.
હોશિયાના શાસનના 9મે વરસે આશ્શૂરનો રાજા સમરૂન કબજે કરવામાં સફળ થયો અને તે આશ્શૂરમાં ઇસ્રાએલીઓને લઇ આવ્યો. તેણે તેમને હલાહ શહેરમાં, ગોઝાનની નદી, હાબોર નદીને પાસે અને માદીઓના નગરમાં વસાવ્યા.
આમ થવાનું કારણ એ હતું કે, ઇસ્રાએલીઓએ તેમને મિસરના રાજા ફારુનની ચુંગાલમાંથી છોડાવી, મિસરની બહાર લાવનાર પોતાના દેવ યહોવાનો ગુનો કર્યો હતો, તેમણે બીજા દેવોની પૂજા કરવા માંડી હતી,
ઇસ્રાએલ અને યહૂદાના લોકોને યહોવાએ પ્રબોધકો અને દ્રષ્ટાઓ દ્વારા ચેતવણી આપી. જેઓએ તેમને કહ્યું, “તમારા અનિષ્ટ રસ્તાઓથી પાછા વળો, અને મારા નિયમશાસ્ત્રનું પાલન કરો જે મેં તમારા પિતૃઓને આપ્યો હતો, અને મારા સેવક પ્રબોધકો દ્વારા તમને કહેવડાવ્યો હતો.
પણ ઇસ્રાએલીઓએ તેમના આદેશોનું પાલન ન કર્યું અને પોતે જે કરતા હતાં તે કરવાનું ચાલુ રાખ્યું. તેઓ તેમના વડવાઓની જેમ જીદી હતા અને તેમને જે ગમ્યું તે જ કર્યું. તેમને યહોવા તેમના દેવ પર વિશ્વાસ નહોતો.
તેમણે યહોવાના હુકમોની, તેમના પિતૃઓએ કરેલા કરારની અવગણના કરી તેમજ તેણે તેમને આપેલી ચેતવણીઓની કાળજી ન કરી. તેઓએ નકામી મૂર્તિઓની પૂજા કરી. આસપાસની પ્રજાઓનું અનુકરણ કર્યુ જેમના વિષે યહોવાએ તેમને ન કરવાની આજ્ઞા આપી હતી.
તેમણે તેમના પોતાના યહોવા દેવની આજ્ઞાઓનો ત્યાગ કર્યો અને તેમણે પોતાના માટે ઢાળેલા બે પોઠિયા બનાવડાવ્યાં. તેમણે અશેરાદેવીની મૂર્તિ કરાવી અને આકાશનાં બધાં નક્ષત્રોની અને બઆલદેવની સેવાપૂજા કરવા લાગ્યાં.
તેમણે પોતાનાં સંતાનોને હોમયજ્ઞમાં હોમ્યાં. તેમણે ભવિષ્ય જોવાનું શરું કર્યું અને કામણટૂંમણ કરવાનું પણ શરૂ કર્યુ. યહોવાની ષ્ટિએ જે અયોગ્ય હતું એવા આચરણને તેમણે અનુસર્યું. અને આ રીતે પોતાની જાતને વેચી મારી જેનાથી યહોવા ગુસ્સે થયા.
આખરે પ્રબોધકોએ જે ભવિષ્યકથન કર્યું હતું તે બધું જ બન્યું. એટલે સુધી કે યહોવાએ તેઓને પોતાની નજર આગળથી દૂર કર્યા. ઇસ્રાએલીઓને તેમનું વતન છોડવું પડ્યું અને તેમને આશ્શૂર જવા માટે વિદાય કરવામાં આવ્યા, અને આજે પણ તેઓ ત્યાં જ છે.
પણ જ્યારે તેઓએ ત્યાં વસવાનું શરૂ કર્યુ ત્યારે તેઓએ યહોવાની આરાધના કરી નહોતી, તેથી યહોવાએ તેઓની પાસે સિંહ મોકલ્યા, અને સિંહોએ તેઓમાંના કેટલાકને મારી નાખ્યા.
આશ્શૂરના રાજાને કહેવામાં આવ્યું કે, “જે લોકોને દેશ છોડાવીને તમે સમરૂનના નગરોમાં વસાવ્યા છે, તેઓને એ દેશના દેવની ઉપાસનાની વિધિની ખબર નથી, આથી તેણે તેમની વચ્ચે સિંહો મોકલ્યા છે અને તે સિંહો એમને ખાઈ જશેે, કારણ, તેમને પ્રદેશના દેવની ઉપાસનાની વિધિની ખબર નથી.”
આથી આશ્શૂરના રાજાએ એવી આજ્ઞા કરી કે, “સમરૂનમાંથી દેશ નિકાલ કરેલા યાજકોમાંથી એકને ત્યાં પાછો મોકલો, જેથી તે ત્યાં જઈને રહે અને લોકોને દેશના દેવની ઉપાસના કરવાની રીત શીખવે.”
છતાં પ્રત્યેક પ્રજાના લોકોએ પોતપોતાના દેવોની મૂર્તિઓ બનાવવાનું ચાલુ રાખ્યું અને તેને સમરૂનના લોકોએ ઉચ્ચસ્થાનો પર ઊભાં કરેલાં થાનકોમાં મૂકી. તેમની આજુબાજુના નગરના લોકોએ પણ તેમની ઇચ્છા મુજબ કર્યુ.
જે તમને પોતાની મહાન શકિત દ્વારા મિસરમાંથી બહાર લઇ આવ્યા હતાં, તમારે ફકત યહોવાની જ ઉપાસના કરવાની છે, તમારે ફકત તેના જ પગે પડવાનું છે અને યજ્ઞો અર્પવાનાં છે.તેને અને ફકત તેને જ માટે બલિદાન અર્પણ કરવાના છે.
નિયમો, કાયદા, સૂચના અને હૂકમો જે તેણે (યહોવાએ) તમને આપ્યા છે, તેનું તમારે જીવન પર્યત નિષ્ઠા પુર્વક પાલન કરવાનું છે. તમારે બીજા કોઇ દેવની સેવા કરવાની નથી.
આમ, એ લોકો યહોવાની પણ ઉપાસના કરતા અને પોતાની મૂર્તિઓની પણ પૂજા કરતા, અને તેમનાં સંતાનો તેમજ તેમનાં સંતાનોનાં સંતાનો પણ આજે તેમના પિતૃઓની વિધિઓને વળગી રહ્યાં છે.