જ્યારે ઇસ્રાએલનું સૈન્ય એફ્રાઇમના પર્વતીય પ્રદેશમાં આવેલા સમારાઇમ આવી પહોંચ્યું, ત્યારે રાજા અબિયાએ રાજા યરોબઆમ અને ઇસ્રાએલના સૈન્યને મોટા સાદે કહ્યું,
અને કેટલાક નકામા અને અનિષ્ટ માણસો તેની સાથે મળી ગયા છે. અને સુલેમાનનો પુત્ર રહોબઆમ નાદાન અને મૂર્ખ હતો, અને તેમનો સામનો ન કરી શકે એવો હતો. તેઓ રહોબઆમ કરતા શકિતશાળી હતા.
“અને હવે તમે દાઉદના વંશજોના રાજ્યને હરાવવાની વાત કરો છો, જેને યહોવાએ શાસન કરવાની શકિત આપી હતી. અને તમે વિશાળ સમૂહ છો અને યરોબઆમે બનાવડાવેલી સોનાના વાછરડાની મૂર્તિઓને તમારા દેવ તરીકે સાથે લઇને તમે આવ્યા છો!
તમે હારુનના વંશજોને - યહોવાના યાજકોને અને લેવીઓને હાંકી કાઢયા છે અને વિદેશી લોકોની જેમ તમે મનગમતા યાજકો નીમ્યા છે! જે કોઇ એક વાછરડો અને સાત ઘેટાં લઇને યાજક બનવા આવે તેને તમે જેઓ દેવ નથી તેમની સેવા કરવા માટે યાજક બનાવી દો છો.
“પરંતુ અમારા માટે તો યહોવા જ અમારા દેવ છે; અને અમે તેમને તજી દીધા નથી. ફકત હારુનના વંશજો અમારા યાજકો છે અને માત્ર લેવીઓ જ યાજકોને તેઓના કામમાં મદદ કરે છે.
તેઓ રોજ સવારે તથા સાંજે દહનાર્પણો અને સુવાસિત ધૂપનું દહન કરે છે અને પવિત્ર મેજ ઉપર પ્રદશિર્ત કરવા માટેની રોટલી મૂકે છે. દરરોજ સાંજે સોનાના દીપવૃક્ષ પર દીવાઓ પ્રગટાવે છે. કારણકે યહોવા અમારા દેવની આજ્ઞાઓને અનુસરવા અમે કાળજી રાખીએ છીએ; પણ તમે તો તેમને તજી દીધા છે.
જુઓ, અમારા દેવ અમારી આગળ અને અમારી સાથે છે, અને તેના યાજકો રણશિંગા લઇને તમારી સામે યુદ્ધનાદ કરે છે, “હે ઇસ્રાએલ પુત્રો, તમારા પિતૃઓના યહોવા દેવની સામે ન લડો; તેમાં તમે જીતી શકશો નહિ.”
પણ યરોબઆમે પોતાના લશ્કરની એક ટૂકડીને યહૂદાવાસીઓની પાછળ જઇ છુપાઇ રહેવા મોકલી આપી, એટલે મુખ્ય લશ્કર યહૂદાવાસીઓની સામે રહ્યું અને છુપાયેલા માણસો તેમની પાછળ રહ્યા.
યહૂદિયાના સૈનિકોએ મોટા સાદે પોકાર કર્યો. જ્યારે તેઓએ પોકાર કર્યો, ત્યારે દેવે અબિયા રાજા અને યહૂદિયા સૈન્યનો એવો ઉપયોગ કર્યો કે યરોબઆમ રાજા અને ઇસ્રાએલનું સૈન્ય હારવા લાગ્યું.