દેવદૂતે પોતાની આગળ ઊભેલા માણસોને કહ્યું, “એના અંગ પરથી ગંદા વસ્ત્રો ઉતારી નાખો.” અને તેણે યહોશુઆને કહ્યું, “જો, મેં તારા અપરાધો હરી લીધા છે અને હું તને ઊજળાં વસ્ત્રો પહેરાવીશ.”
પછી દેવદૂતે તહેનાતમાં ઊભેલાઓને કહ્યું, “તેને માથે સુંદર સ્વચ્છ પાઘડી મૂકો.” તેથી તેમણે તેને ઊજળાં વસ્ત્રો પહેરાવ્યાં અને તેને માથે સુંદર પાઘડી મૂકી, ને આ વખતે યહોવાનો દેવદૂત પાસે ઊભો હતો.
આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે: “જો તું મારા માર્ગ પર ચાલશે અને મારી આજ્ઞા માથે ચડાવશે, તો તું મારા મંદિરનો તથા તેના ચોકનો મુખ્ય વહીવટદાર થશે અને જેઓ મારી આગળ ઊભા છે, તેમની જેમ તું મારી પાસે છૂટથી આવી શકશે.
હું યહોશુઆ સામે એક ખાસ પથ્થર મૂકું છું. તે જુઓ, યહોશુઆ સામે મૂકેલા સાત આંખ વાળા પથ્થર પર હું આ લખાણ કોતરીશ. આ દેશના પાપને હું એક જ દિવસમાં સમાપ્ત કરીશ.”