જ્યારે મૂર્તિઓ અર્થ વગરનું બોલે છે. અને જોષીઓ જૂઠા જોષ જુએ છે, સ્વપ્ન જોનારાઓ ખોટાં સ્વપ્નો વર્ણવે છે અને અવાસ્તવિક ભરોસો આપે છે, આથી લોકો બકરાઁની જેમ રખડે છે, તેઓ દુ:ખી છે કારણ, હુમલા સામે તેઓનું રક્ષણ કરનાર કોઇ પાળક નથી.
યહોવા કહે છે, “મારો રોષ રાજકર્તાઓ વિરુદ્ધ સળગી ઊઠયો છે; તેઓએ મારી પ્રજાઓની સાથે જે રીતે વર્તણૂંક કરી છે તેને કારણે હું તેઓને સજા કરીશ.” હું સૈન્યોનો દેવ યહોવા, મારા આશ્રિતો યહૂદિયાઓની સંભાળ લઇશ, અને તેઓને હું યુદ્ધના અશ્વો જેવા બનાવીશ.
હું યહૂદિયાના લોકોને બળવાન બનાવીશ અને ઇસ્રાએલના લોકોને પણ ઉગારી લઇશ. મને તેમના પર દયા આવે છે, માટે હું તેમને પાછા લાવીશ અને કોણ જાણે કેમ મેં તેમનો ત્યાગ જ ન કર્યો હોય એવી તેમની સ્થિતિ હશે, કારણ, હું યહોવા, તેમનો દેવ છું અને તેમની પ્રાર્થના સાંભળીશ.
ઇસ્રાએલના લોકો બળવાન યોદ્ધા જેવા બની જશે અને તેમનાં હૃદય દ્રાક્ષારસ પીધો હોય એમ આનંદમાં આવી જશે. તેમના વંશજો તે જોઇને ખુશ થશે અને મારી કૃપા યાદ કરીને તેમનાં હૃદય હરખાશે.
હું મિસરમાંથી અને આશ્શૂરમાંથી તેમને પાછા લાવી ઘરભેગાં કરીશ; હું તેમને ગિલયાદ તથા લબાનોનની ભૂમિમાં લાવીશ; અને ત્યાં પણ તેઓ એટલા બધા હશે કે ત્યાં પૂરતી જગ્યા નહિ હોય.