બાકીના લોકો, યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગવૈયાઓ, મંદિરના સેવકો અને તે દરેક જેણે ભૂમિના લોકોથી પોતાને જુદા પાડ્યાં હતાં, તેમની પત્નીઓ, તેમના પુત્રો, અને પુત્રીઓ સાથે અને જેમનામાં જ્ઞાન અને સમજણ છે.
તેઓએ પોતાના સગાંવહાંલા અને ઉમરાવો સાથે મળીને, દેવના નિયમ પ્રમાણે ચાલવાના સમ ખાધા, જે દેવના સેવક મૂસાએ આપ્યા હતા કે, અમે યહોવા અમારા દેવની આજ્ઞા અને નિયમોનું આદેશ અનુસાર પાલન કરીશું અને તેમના હુકમોને માનીશું.
“વળી જો ભૂમિના લોકો કંઇ વેચવા માટે અથવા અનાજ લાવશે, તો અમે તે સાબ્બાથના દિવસે કે બીજા કોઇ પવિત્ર દિવસે ખરીદીશું નહિ. પ્રત્યેક સાતમે વષેર્ અમે ભૂમિને ખેડશું નહિ અને અમારું બધું લેણું માફ કરીશું.
પવિત્ર રોટલી,નિત્યના ખાદ્યાર્પણો માટે, નિત્યના દહનાર્પણો માટે, સાબ્બાથ અને ચંદ્રદર્શન માટે, તે ઉત્સવો માટે જે ઉજવવા માટે અમને નિયમશાસ્રમાં જણાવાયું છે, અને પવિત્ર અર્પણો માટે પૈસાની જરૂર છે, આ ઇસ્રાએલ માટે પ્રાયશ્ચિત કરવા પાપાર્થાપણો અને દેવના મંદિરનાં સર્વ કામો કરવા માટે જરૂરી છે.
“ત્યારબાદ નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, અમારા દેવ યહોવાની વેદી પર બાળવા માટે, અમારા પિતૃઓનાં પરિવારો પ્રમાણે પ્રતિવર્ષ ઠરાવેલા ચોક્કસ સમયે અમારા દેવના મંદિરમાં લાકડાંઓના અર્પણો લાવવા માટે, અમે, યાજકો, લેવીઓ તથા લોકો વચ્ચે ચિઠ્ઠીઓ નાખી.
“અમે અમારા યાજકોને તથા દેવનાં મંદિરની ઓરડીમાં અમારા બાંધેલા લોટનો પહેલો ભાગ, અને દરેક વૃક્ષના ફળો, દ્રાક્ષારસ અને તેલનું અર્પણ લાવીશું. વળી અમારી ભૂમિની પેદાશમાંથી પ્રત્યેક વસ્તુનો દશમો ભાગ અમે લેવીઓ માટે લાવીશું. કારણ કે અમારા સર્વ દેશના નગરોમાંથી દશાંશ એકત્ર કરવાની જવાબદારી લેવીઓની છે.
અમારા બધાં ખેતીવાડીવાળાં ગામોમાંથી ઊપજનો દશમો ભાગ ઉઘરાવવા આવનાર લેવીઓને અમારી જમીનની ઊપજનો દશમો ભાગ આપીશું. દશમો ભાગ ઉઘરાવતી વખતે હારુનના વંશના એક યાજક લેવીઓની સાથે રહેશે, અને લેવીઓએ ઉઘરાવેલા દશમા ભાગનો દશમો ભાગ દેવના મંદિરનાં ભંડારમાં લઇ જશે અને એક ઓરડામાં મુકશે.
તેથી ઇસ્રાએલીઓ અને લેવીઓએ પોતે ઉઘરાવેલાં બધાં અનાજના અર્પણો, દ્રાક્ષારસ, તેલ વગેરે ભંડારના ઓરડાઓમાં લાવવાં, જ્યાં મંદિરની સેવાની સામગ્રી રાખવામાં આવે છે, અને જ્યાં તે વખતે સેવા કરતા યાજકો, દ્વારપાળો તથા ગાયકો રહે છે.“આમ અમે સૌ અમારા દેવનાં મંદિરની અવગણના નહિ કરીએ.”