આ સર્વનું કારણ એ છે કે, નિનવેહ એક વેશ્યા જેવી બની ગઇ છે, જાદુક્રિયામાં પ્રવીણ નિનવેહનગરે પોતાની સુંદરતાથી વેશ્યાગીરીથી પ્રજાઓને લોભાવી અને તેઓને જાળમાં ફસાવી દીધા. નિનવેહે તેના જાદુથી પરિવારોને આકષિર્ત કર્યા.
તેમ છતાં તે બંદીવાન થયું, તેણે દેશવટો ભોગવવો પડ્યો. શેરીના નાકે તેના બાળકોને માર મારીને મારી નાખવામા આવ્યાં, તેના માનવંતા માણસો ચિઠ્ઠી નાખી વહેંચાયા. અને સાંકળમાં જકડાયા.
તારા સૈનિકો સ્ત્રીઓની જેમ નિર્બળ અને લાચાર બની જશે. તારા દેશના દરવાજાઓ શત્રુ માટે પૂરા ઉઘાડી નાખવામાં આવશે, અને તે દરવાજાઓ અગ્નિથી ભસ્મીભૂત કરી દેવામાં આવશે.
તારા સરદારો તીડ જેવા છે અને શાસન અધિકારીઓ તીડના ટોળા જેવા છે, તેઓ ઠંડીના દિવસોમાં વાડો પર આરામ કરે છે. સૂરજ ઊગતાં જ તેઓ ઊડી જાય છે. ક્યાં ગયા તેની કોઇને ખબર પડતી નથી.
તારી વેદનાને બિલકુલ રાહત નથી; તારો ઘા પ્રાણઘાતક છે; જે કોઇ તારી પડતીના સમાચાર સાંભળે છે, તે તાળીઓ પાડે છે; કારણકે એવો કોઇ છે જેના પ્રત્યે તેં સખત દુષ્ટતા આચરી ના હોય?