1
|
ઈસુએ મંદિર છોડયું અને ચાલતો હતો, ત્યારે શિષ્યો તેની પાસે આવ્યા. તેઓ તેને મંદિર બતાવવા લાગ્યા. |
2
|
ઈસુએ કહ્યું, “તમે આ બધું જુઓ છો? હું તમને સત્ય કહું છું, આ બધું તોડી પાડવામાં આવશે.એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેવામા આવશે નહિ. અને એક એક પથ્થરને જમીનદોસ્ત કરવામાં આવશે.” |
3
|
પછી ઈસુ જૈતૂન પર્વત પર બેઠો હતો ત્યારે શિષ્યો તેની સાથે એકાંત માટે આવ્યા અને પૂછયું એ બધું ક્યારે બનશે? અને “અમને કહે કે તારા આગમનની અને જગતના અંતની નિશાનીઓ શું હશે?” |
4
|
ઈસુએ કહ્યું, “સાવધાન રહો! તમને કોઈ ગેરમાર્ગે ન દોરે. |
5
|
ઘણા લોકો આવશે અને મારા નામનો ઉપયોગ કરશે અને કહેશે, ‘હું જ ખ્રિસ્ત છું.’ અને તેઓ ઘણા લોકોને છેતરશે. |
6
|
પણ તમે લડાઈઓ વિષે અને લડાઈઓની અફવાઓ વિષે સાંભળશો ત્યારે તમે ગભરાશો નહિ. એ બધું જ અંત પહેલા બનવાનું છે અને ભબિષ્યનો અંત હજી બાકી છે. |
7
|
રાષ્ટ્ર બીજા રાષ્ટ્રોની સામે અને રાજ્યો બીજા રાજ્યોની વિરૂદ્ધ ઊઠશે. અને એક સમય એવો આવશે કે લોકોને ખાવા માટે ખોરાક પણ નહિ હોય અને જુદા જુદા વિસ્તારોમાં ધરતીકંપ થશે. |
8
|
પણ એ બધાં તો દુ:ખોનો આરંભ જ છે. |
9
|
“આ સમયે તમને શિક્ષા માટે સુપ્રત કરવામાં આવશે અને તમને મારી નાંખશે કારણ કે તમે મારા શિષ્યો છો. બધા જ રાષ્ટ્રો તમારો તિરસ્કાર કરશે. |
10
|
આ સમયે ઘણા લોકોનો વિશ્વાસ ડગી જશે. એકબીજાની સામે થઈ જશે અને એકબીજાનો તિરસ્કાર કરશે. |
11
|
અનેક જૂઠા પ્રબોધકો નીકળી પડશે અને તેઓ ઘણાને આડે માર્ગે દોરી જશે. |
12
|
અનિષ્ટ સર્વત્ર પ્રસરશે. પરિણામે ઘણાનો પ્રેમ ઠંડો પડી જશે. |
13
|
પરંતુ જે કોઈ અંત સુધી ટકશે તે જ તારણ પામશે. |
14
|
દેવના રાજ્યની સુવાર્તા આખા વિશ્વમાં બધી જ જાતિના લોકોને સંભળાવવામાં આવશે. ત્યારે અંત આવશે. |
15
|
“જેના વિષે દાનિયેલ પ્રબોધકે કહેલું છે કે, ‘એ ભયાનક વિનાશકારી વસ્તુને તમે પવિત્ર જગ્યામાં (મંદિર) ઊભેલી જુઓ.” (વાંચક તેનો અર્થ સમજી લે) |
16
|
“ત્યારે જેઓ યહૂદિયામાં રહે છે તેઓને પહાડો તરફ ભાગી જવું પડશે. |
17
|
જેઓ ઘરના છાપરાં પર હોય તેઓએ ઘરમાં સરસામાન લેવા જવું નહિ. |
18
|
જેઓ ખેતરોમાં હોય તેમણે પોતાના કપડાં લેવા પાછા ઘરે જવું નહિ. |
19
|
“એ દિવસોમાં જે ગર્ભવતી સ્ત્રીઓ હશે, અને જેને ધાવણાં બાળકો હશે તેમને માટે દુ:ખદાયક દિવસ હશે. |
20
|
પ્રાર્થના કરો કે તમારે શિયાળાનાં દિવસોમાં કે વિશ્રામવારે ભાગવું ના પડે. |
21
|
એ દિવસોમાં એવી મોટી આપત્તિ આવશે કે સૃષ્ટિ રચી ત્યારથી અત્યાર સુધી કદી આવી નથી. અને ભવિષ્યમાં એવી આપત્તિ આવશે નહિ. |
22
|
“આ ભયંકર આપત્તિના દિવસો લોકોને ખાતર ઓછા કરવામાં આવશે. જો તેમ ન થયું હોત તો કોઈ માણસ બચી શકત નહિ. પરંતુ દેવના પસંદ કરાયેલા માણસો માટે જ આ દિવસો ઘટાડવામાં આવશે. |
23
|
“ત્યારે તમને જો કોઈ કહે કે જુઓ, અહીં ‘ખ્રિસ્ત’ છે અથવા તે અહીં છે તો તેનો વિશ્વાસ કરશો નહિ. |
24
|
કેમ કે જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઊભા થશે. અને એવા અદભૂત ચમત્કારો તથા અદભૂત કૃત્યો કરી બતાવશે કે જો બની શકે તો દેવના પસંદ કરેલા લોકોને પણ તેઓ ભુલાવશે. |
25
|
જુઓ, આ વાત તમને અગાઉથી બાતાવું છું માટે સાવધ રહેજો. |
26
|
“તેથી કોઈ તમને કહે; ‘ખ્રિસ્ત પેલી ઉજજડ ભૂમીમાં છે!’ પણ તે ઉજજડ પ્રદેશમાં ખ્રિસ્તને જોવા જશો નહિ. કોઈ કહે, ‘ખ્રિસ્ત અમુક ઘરમાં છે તો તે તમે માનશો નહિ. |
27
|
જ્યારે માણસનો દીકરો આવશે ત્યારે આકાશમાં પૂર્વથી પશ્ર્ચિમે ઝબકારા જેવું થશે જે દરેક માણસ જોઈ શકશે. તે પ્રમાણે માણસનો દીકરો પ્રગટ થશે. |
28
|
જ્યાં મડદાં હશે, ત્યાં ગીધો ભેગાં થશે. |
29
|
“એ દિવસોમાં જ્યારે વિપત્તિ દૂર થશે કે તરત જ: ‘સૂરજ અંધકારરૂપ થઈ જશે, અને ચંદ્ર તેનું અજવાળું આપશે નહિ. અને તારાઓ આકાશમાંથી ખરી પડશે. આકાશમાં બધુંજ ઘ્રુંજી ઊઠશે.’ યશાયા 13 : 10 ; 34 :4-5 |
30
|
એ સમયે, માણસના દીકરાના આવવાના સંકેત આકાશમાં જોવા મળશે, તે વખતે પૃથ્વી પરના બધાજ લોકો વિલાપ કરશે અને માણસના દીકરાને પરાક્રમ અને મોટા મહિમાસહિત આકાશના વાદળોમાં આવતો જોશે. |
31
|
માણસનો દીકરો પોતાના દૂતોને પૃથ્વીની ચારે બાજુ મોકલવા મોટા અવાજથી રણશિંગડું ફૂંકશે. દૂતો પૃથ્વીના દરેક ભાગમાંથી પસંદ કરેલા માણસોને ભેગા કરશે. |
32
|
“અંજીર પરથી બોધપાઠ લો, જ્યારે તેની ડાળી કુમળી હોય છે અને પાંદડાં ફૂટવા લાગે છે ત્યારે તમે સમજી શકો છો કે ઉનાળો પાસે આવ્યો છે. |
33
|
તે જ પ્રમાણે, જ્યારે તમે આ બધા જ બનાવો બનતા જુઓ, ત્યારે જાણી લેવું કે એ સમય નજીક આવી રહ્યો છે અને આવવાની તૈયારી છે. |
34
|
હું તમને સત્ય કહું છું કે આ પેઢીનાં લોકોના જીવતાં જ આ બધી જ ઘટના બનશે. |
35
|
આખી દુનિયા, પૃથ્વી અને આકાશનો નાશ થશે, પણ મેં તમને જે શબ્દો કહ્યાં છે તેનો કદી વિનાશ નહિ થાય! |
36
|
“પણ એ દિવસ અને કલાક વિષે કોઈ જાણતું નથી. આકાશના દૂતો કે દીકરો કોઈ જાણતું નથી. ફક્ત તે બાપ જ જાણે છે. |
37
|
“નૂહના સમયમાં બન્યું એવું જ માણસના દીકરાના આગમન સમયે બનશે. |
38
|
જળપ્રલય થયો તે પહેલા લોકો ખાતાપીતા અને પરણાવતા, આ બધુજ નૂહ વહાણ પર ન ચઢયો ત્યાં સુધી બનતું રહ્યું. |
39
|
જળપ્રલય થયો અને બધાને તાણીને લઈ ગયો, ત્યાં સુધી ખબર ન પડી, માણસના દીકરાને આવવાનું થશે, ત્યારે આવું જ બનશે. |
40
|
એ સમયે ખેતરમાં કામ કરતાં બે માણસોમાંથી એકને ઉઠાવી લેવાશે અને બીજો ત્યાં જ છોડી દેવાશે. |
41
|
આ સમયે ઘંટી ચલાવતી બે સ્ત્રીઓમાંથી એક સ્ત્રીને ત્યાંથી ઊઠાવી લેવામાં આવશે અને બીજીને ત્યાંજ પાછળ રહેવા દેવામાં આવશે. |
42
|
“એટલે તમે લોકો સાવધ રહો, કારણ કે તમારો પ્રભુ ક્યારે આવે છે તે તમે જાણતા નથી. |
43
|
યાદ રાખો કે, જો ઘરના ધણીએ જાણ્યું હોત કે ચોર ક્યા સમયે આવશે તો તે ઘણી સજાગ રહેત અને ચોરને ઘરમાં પ્રવેશ કરવા ન દેત. |
44
|
એટલે તમારે પણ તૈયાર રહેવું જોઈએ કારણ માણસનો દીકરો ગમે તે સમયે આવશે, જ્યારે તમને ખબર પણ નહિ પડે. |
45
|
“ધણી પોતાના ઘરના સર્વને નિયત સમયે ખાવાનું આપવા જેને પોતાના ઘરના સેવકો પર અધિકારી નીમે છે એવો શાણો અને વિશ્વાસુ સેવક કોણ છે? |
46
|
ધણી જ્યારે આવે ત્યારે જે સેવક આ કામ કરતો દેખાશે તે માણસ સુખી થશે. |
47
|
હું તમને સત્ય કહું છું. એવા વફાદાર માણસને ધણી પોતાની તમામ મિલ્કતનો કારભારી બનાવશે. |
48
|
“પણ જો નોકર દુષ્ટ હશે અને વિચારશે કે મારા ધણી તરત જ પાછા નથી આવવાના. |
49
|
પછી તે પોતાના સાથીદાર સેવકોને મારપીટ કરશે. અને તે સેવક બીજા લોકો સાથે તેની જેમ ખાવા પીવા લાગશે. |
50
|
પણ તે ચાકરનો ધણી એવો ઓચિંતો આવી પહોંચશે કે તેને તે દિવસની કદી આશા નહિં હોય અને તે સમય વિષે તે જાણતો નહિ હોય. |
51
|
એનો સ્વામી એને ખરાબ રીતે સજા કરશે અને ઢોંગીઓ વચ્ચે તેનું સ્થાન નિશ્ર્ચિત કરશે. જ્યાં લોકો રૂદન કરતાં હશે. દુ:ખની પીડાથી દાંત પીસતાં થશે. |
Matthew 24:35 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...