સૈન્યોનો દેવ યહોવા કહે છે, “જુઓ, હું મારા પહેલા માર્ગને સાફ કરવા મારા દૂતને મોકલનાર છું. અને તમે જેની શોધમાં છો, તે યહોવા અચાનક પોતાના મંદિરમાં પ્રવેશ કરશે, તમે જેને જોવાને તલસી રહ્યા છો તે કરારનો દૂત આવી રહ્યો છે.
“પણ તે પ્રગટ થશે ત્યારે તેની સામે કોણ ટકી શકશે? તેના આગમનને કોણ સહન કરી શકશે? કેમ કે તે કિંમતી ધાતુને શુદ્ધ કરનાર અગ્નિ સમાન છે. તે ધોબીના સાબુ સમાન છે.
સૈન્યોનો દેવ યહોવા કહે છે,”ત્યાર પછી હું ન્યાય કરવા તમારી પાસે આવીશ, અને જાદુગરો તેમજ વ્યભિચારીઓને તથા જૂઠા સોગંદ ખાનારાઓની વિરુદ્ધ, મજૂર પર તેની મજૂરીના સંબંધમાં, વિધવા તથા અનાથો પર જુલમ કરનારની વિરુદ્ધ, અને વિદેશીઓના હક્ક પચાવી પાડનાર તથા મારો ડર નહિ રાખનારની વિરુદ્ધ હું સાક્ષી પૂરવા તત્પર રહીશ.
“ઊપજનો પૂરો દશમો ભાગ લાવો, તો મારો ભંડાર ભરેલો રહે. એ પછી તમે મારી કસોટી કરી જુઓ કે, હું તમારા માટે સ્વર્ગના દ્વાર ઉઘાડીને તમારા પર મબલખ આશીર્વાદ વરસાવું છું કે નહિ?
ત્યારબાદ યહોવાથી ડરીને ચાલનારાઓ અંદરો અંદર વાતો કરવા લાગ્યા અને યહોવાએ સાંભળ્યું. તેની હાજરીમાં જ, તેનાથી ડરીને ચાલનારા અને તેનું ધ્યાન ધરનારાઓની નોંધ એક ચોપડામાં કરવામાં આવી.
સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હું તેઓને મારા ખાસ લોકો તરીકે ગણીશ. હું તેઓ સાથે દયાળું રહીશ. જેમ પિતા પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે દયા રાખે, તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ.