Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

John Chapters

John 13 Verses

Bible Versions

Books

John Chapters

John 13 Verses

1 યહૂદિઓના પાસ્ખાપર્વનો લગભગ સમય હતો. ઈસુએ જાણ્યું કે આ જગત છોડવાનો તેના માટેનો સમય હતો. હવે તે સમય ઈસુ માટે પિતા પાસે પાછા જવાનો હતો. ઈસુએ હંમેશા જગતમાં જે તેના હતા તે લોકોને પ્રેમ કરતો હતો. તેનો પ્રેમ સંપૂર્ણ શ્રેષ્ઠ હતો. હવે ઈસુનો તેનો પ્રેમ તેઓને બતાવવાનો સમય હતો.
2 ઈસુ અને તેના શિષ્યો સાંજના ભોજનમાં સાથે હતા. શેતાને અગાઉથી યહૂદા ઈશ્કરિયોતને ઈસુની વિરૂદ્ધ થવા સમજાવ્યો હતો. (યહૂદા સિમોનનો દીકરો હતો.)
3 પિતાએ ઈસુને બધી વસ્તુઓ પરની સત્તા સોંપી હતી. ઈસુએ આ જાણ્યું. ઈસુએ તે પણ જાણ્યું કે તે દેવ પાસેથી આવ્યો છે. અને એમ પણ જાણ્યું કે હવે તે દેવ પાસે પાછો જતો હતો.
4 યારે તેઓ જમતા હતા, ઈસુએ ઊભા થઈને પોતાનો ઝભ્ભો ઉતારી નાખ્યો. ઈસુએ રુંમાલ લીધો અને તેને પોતાની કમરે બાંધ્યો.
5 પછી ઈસુએ વાસણમાં પાણી રેડ્યું. તેણે શિષ્યોના પગ ધોવાની શરુંઆત કરી. તેણે રુંમાલ વડે તેમના પગ લૂછયા. જે રુંમાલ તેની કમરે વીંટાળેલો હતો.
6 ઈસુ સિમોન પિતર પાસે આવ્યો. પરંતુ પિતરે ઈસુને કહ્યું, “પ્રભુ, તારે મારા પગ ધોવા જોઈએ નહિ.”
7 ઈસુએ ઉત્તર આપ્યો, “હમણા હું શું કરું છું તે તું જાણતો નથી. પરંતુ પાછળથી તું સમજી શકીશ.”
8 પિતરે કહ્યું, “ના! હું કદાપિ મારા પગ ધોવા દઈશ નહિ.”ઈસુએ ઉત્તર આપ્યો, “જો હું તારા પગ નહિ ધોઉ, તો પછી તું મારા લોકોમાંનો એક થશે નહિ.”
9 સિમોન પિતરે કહ્યું, “પ્રભુ, મારા પગ ધોયા પછી તું મારા હાથ અને મારું માથું પણ ધો!”
10 ઈસુએ કહ્યું, “વ્યક્તિના સ્નાન કર્યા પછી તેનું આખું શરીર ચોખ્ખું થાય છે. તેને ફક્ત તેના પગ ધોવાની જ જરુંર છે. અને તમે માણસો ચોખ્ખા છો, પરંતુ તમારામાંના બધા નહિ.”
11 ઈસુએ જાણ્યું કે, કોણ તેની વિરૂદ્ધ થશે. તે જ કારણે ઈસુએ કહ્યું, “તમારામાંથી દરેક ચોખ્ખા નથી.”
12 ઈસુએ તેમના પગ ધોવાનું પૂરું કર્યુ. પછી તેણે પોતાનાં કપડાં પહેર્યા અને ફરીથી મેજ પર બેઠો. ઈસુએ પૂછયું, “તમે સમજો છો મેં તમારા માટે શું કર્યું?
13 તમે મને ગુરું તથા પ્રભુ કહો છો. એ ખરું છે, કારણ કે હું એ જ છું.
14 હું જ તમારો ‘ગુરું’ અને ‘પ્રભુ’ છું. પણ મેં તમારા પગ સેવકની જેમ ધોયા. તેથી તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ.
15 મેં તમારા માટે એક નમૂના તરીકે આ કર્યુ. તેથી મેં તમારા માટે જે કર્યુ તેવું તમારે એકબીજા માટે કરવું જોઈએ.
16 હું તમને સત્ય કહું છું. એક સેવક તેના ધણી કરતાં મોટો નથી. અને જે વ્યક્તિને કંઈક કરવા મોકલાયેલો છે તે પોતાના મોકલનાર કરતાં મોટો નથી.
17 જો તમે આ વાતો જાણો અને તેઓને પાળો તો તમે સુખી થશો.
18 “હું તમારા બધા વિષે બોલતો નથી. જેઓને મેં પસંદ કર્યા છે તેઓને હું જાણું છું. પરંતુ શાસ્ત્રલેખમાં જે કહ્યું છે તે થવું જોઈએ. ‘જે માણસ મારા ભોજનમાં ભાગીદાર બન્યો છે તે મારી વિરૂદ્ધ થયો છે.’
19 હું તમને તે બનતા પહેલા આ કહું છું. જેથી જ્યારે એ બને, ત્યારે તમે વિશ્વાસ કરો કે હું તે છું.
20 હું તમને સત્ય કહું છું. જે કોઈને હું મોકલું છું તેનો સ્વીકાર જે કરે છે તે મારો સ્વીકાર કરે છે અને જે મારો સ્વીકાર કરે છે તે મારા મોકલનારનો પણ સ્વીકાર કરે છે.”
21 ઈસુએ આ વાતો કહ્યા પછી તેણે ભારે વ્યાકુળતા અનુભવી. ઈસુએ જાહેરમાં કહ્યું, “હું તમને સત્ય કહું છું. તમારામાંનો એક મારી વિરૂદ્ધ થશે.”
22 ઈસુના બધા શિષ્યો એકબીજા સામે જોવા લાગ્યા. ઈસુ જેના વિષે વાત કરતો હતો, તે વ્યક્તિ કોણ હતી તે તેઓ સમજી શક્યા નહિ.
23 શિષ્યોમાંનો એક ઈસુની બાજુમાં છાતીને અઢેલીને બેઠો હતો. ઈસુ જેને પ્રેમ કરતો હતો તે આ શિષ્ય હતો.
24 સિમોન પિતરે આ શિષ્યને ઈશારો કરીને ઈસુને પૂછયું કે જેના વિષે વાત કરતો હતો તે વ્યક્તિ કોણ હતી.
25 તે શિષ્ય ઈસુની છાતીને અઢેલીને બેઠો હતો અને પૂછયું, “પ્રભુ, તે કોણ છે જે તારી વિરૂદ્ધ થશે?”
26 ઈસુએ ઉત્તર આપ્યો, “હું આ રોટલી થાળીમાં બોળીશ. હું જે માણસને તે આપીશ તે માણસ મારી વિરૂદ્ધ થશે.” તેથી ઈસુએ રોટલીનો ટુકડો લીધો. તેણે તે બોળ્યો ને યહૂદા ઈશ્કરિયોત જે સિમોનનો દીકરો છે તેને આપ્યો.
27 જ્યારે યહૂદાએ ટુકડો લીધો, શેતાન તેનામાં પ્રવેશ્યો. ઈસુએ યહૂદાને કહ્યું, “તું જે બાબત કરે, તે જલ્દીથી કર!”
28 મેજ પાસેનો કોઈપણ માણસ સમજયો નહિ કે શા માટે ઈસુએ યહૂદાને આમ કહ્યું.
29 યહૂદા સમૂહ માટે પૈસાની પેટી રાખનાર માણસ હતો. તેથી કેટલાક શિષ્યોએ વિચાર્યુ કે યહૂદા જઈને કેટલીક જરુંરી વસ્તુઓ પર્વ માટે ખરીદે એવું ઈસુ સમજતો હતો. અથવા તેઓએ વિચાર્યુ કે ઈસુ ઈચ્છતો હતો કે યહૂદા ગરીબ લોકોને જઈને કઈક આપે.
30 ઈસુએ આપેલી રોટલી યહૂદાએ સ્વીકારી પછી યહૂદા બહાર ગયો. તે રાત હતી.ઈસુ તેના મૃત્યુ વિષે વાત કરે છે
31 જ્યારે યહૂદા બહાર ગયો, ઈસુએ કહ્યું, “હવે માણસના દીકરાએ તેનો મહિમા પ્રાપ્ત કર્યો છે અને માણસના દીકરા દ્વારા દેવ મહિમા પ્રાપ્ત કરશે.
32 જો દેવ તેના મારફત મહિમા પ્રાપ્ત કરે છે પછી દેવ પોતાના મારફત માણસના દીકરાને મહિમા આપશે.
33 ઈસુએ કહ્યું, “મારા બાળકો, હવે હું ફક્ત થોડા સમય માટે તમારી સાથે હોઈશ. તમે મને શોધશો અને મેં જે યહૂદિઓને કહ્યું તે હવે હું તમને કહ્યું છું. જ્યાં હું જઈ રહ્યો છું ત્યાં તમે આવી શકશો નહિ.
34 “હું તમને નવી આજ્ઞા આપું છું કે એકબીજાને પ્રેમ કરો. જે રીતે મેં તમને પ્રેમ કર્યો છે તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો.
35 જો તમે એકબીજા પર પ્રેમ રાખશો તો બધા લોકો જાણશે કે તમે મારા શિષ્યો છો.”
36 સિમોન પિતરે ઈસુને પૂછયું, “પ્રભુ, તું ક્યાં જાય છે?”ઈસુએ ઉત્તર આપ્યો, “હું જ્યાં જાઉં છું ત્યાં હવે તું મારી પાછળ આવી શકીશ નહિ, પણ તું પાછળથી અનુસરીશ.”
37 પિતરે પૂછયું, “પ્રભુ, હવે હું શા માટે તારી પાછળ આવી શકું નહિ? હું તારા માટે મરવા પણ તૈયાર છું.”
38 ઈસુએ ઉત્તર આપ્યો, “શું તું ખરેખર મારા માટે તારોં જીવ આપીશ? હું તને સાચું કહું છું. મરઘો બોલે તે પહેલા તું ત્રણ વાર કહીશ કે તું મને ઓળખતો નથી.”

John 13:1 Gujarati Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×