સિયોનમાં રણશિંગડું વગાડો, મારા પવિત્ર પર્વત પર ભય સૂચવતો ચેતવણીનો સૂર સંભળાવો. દેશના સર્વ લોકો, થરથરી ઊઠો, કારણકે યહોવાનો ન્યાયનો દિવસ આવી રહ્યો છે. તે છેક નજીક છે.
અંધકાર અને વિષાદનો તે દિવસ છે. વાદળો અને અંધકારનો દિવસ. પર્વતો પર પથરાતા ઘાટા પડછાયા જેવું બળવાન અને વિશાળ સૈન્ય જેવું દેખાય છે. એવું પહેલાં કદી બન્યું નથી કે, ભવિષ્યમાં કદી જોવા નહિ મળે, મોટી તથા બળવાન પ્રજા આવશે.
અગ્નિ તેમની સમક્ષ ભભૂકે છે. તેમની પાછળ જવાળાઓ લપકારા મારે છે. તેમની સમક્ષની ભૂમિ આદમના બગીચા જેવી છે. પરંતુ તેઓની પાછળ તે ઉજ્જડ અરણ્ય જેવી છે. હા, કશું જ રહેતું નથી.
યહોવા તેના સૈન્યદળોને આજ્ઞાઓ આપે છે. તેમનું સૈન્ય મોટું છે, અને તેમની આજ્ઞા પાળનારાઓ શકિતશાળી છે. યહોવાનો ન્યાયનો દિવસ ભયંકર અને બિહામણો છે. એની સામે કોણ ટકી શકે?
તમારાં વસ્ત્રો નહિ, હૃદયો ચીરી નાખો. તમારા યહોવા દેવ પાસે પાછા ફરો. તે દયાળુ અને કૃપાળુ છે. તે ગુસ્સે થવામાં ધીમો છે અને તેની પાસે અનેરો પ્રેમ છે અને તે ન્યાયના ચુકાદાને લગતો તેનો વિચાર બદલે છે.
યાજકો, જે યહોવાના સેવકો છે, તેમણે ઓસરી અને વેદી વચ્ચે રડવું અને કહેવું કે, “હે યહોવા, તારા લોકો પર દયા કર. વિદેશીઓને તેમને હરાવવા ન દો. તમારા લોકોને વિદેશીઓ સમક્ષ લજ્જિત થવા ન દો, જેઓ દરેકને કહે છે, “તેઓનો દેવ કયાં છે?”
યહોવાએ પોતાના લોકોને જવાબ આપ્યો, “જુઓ, હું તમને સંતોષ થાય તેટલા પૂરતાં અનાજ, દ્રાક્ષારસ, અને તેલ મોકલીશ. હવે હું તમને વિદેશીઓ સમક્ષ હજી વધારે લજ્જિત થવા નહીં દઉ.
પણ હું આ સૈન્યોને ઉત્તરમાંથી ખસેડી અને તેઓને દૂર દેશમાં મોકલી દઇશ. હું તેઓને ઉજ્જડ તથા વેરાન દેશમાં પાછા મોકલી દઇશ. તેઓમાંના અડધાને મૃત સરોવરમાં અને બાકીનાને ભૂમધ્ય સમુદ્રમાં ધકેલીશ. પછી તેઓ દુર્ગંધીત થશે અને તેમની ગંધ ઉચે ચઢશે કારણકે તેણે શકિતશાળી કાર્યો કર્યાં છે.”
તે સમયે એમ થશે કે, જે કોઇ યહોવાને બોલાવશે તે ભાગી જશે, કારણ, યહોવાએ કહ્યું હતું કે, “યરૂશાલેમમાં અને સિયોન પર્વત પર દીર્ધજીવીઓ થશે, અને યરૂશાલેમમાં બાકી રહેલાઓમાંથી જેને યહોવા બોલાવે. તેઓ ઉગરી જશે.