હું વિદેશીઓને બાબિલમાં મોકલીશ; તેઓ તેને ઊપણશે અને દૂર સુધી ઉડાડી મૂકશે, વિપત્તિના દિવસે તેઓ ચારે તરફથી તેના પર ચઢી આવશે અને દેશને ચારેબાજુથી ઘેરી લઇ ઉજ્જડ કરી નાખશે.
ભલે તેમના ધર્નુધારી માણસો પોતાના હથિયાર વાપરવા માટે તૈયાર ન હોય. તેમના સૈનિકોને બખતર પહેરવા દેશો નહિ. તેઓના સૈનિકો પર દયા ન બતાવશો, તેમના સૈન્યનો નાશ કરો.
બાબિલના ઘા રૂઝવવા અમારાથી શક્ય તેટલો પ્રયત્ન અમે કર્યો, પરંતુ તે સ્વસ્થ ન થયું. એને છોડી દઇને, ચાલો આપણે સહુ પોતપોતાના દેશમાં પાછા ફરીએ, કારણ કે તે અમાપ સજાને પાત્ર છે.
તમારાં બાણને ધારદાર બનાવો! તમારા ભાથાં ભરી લો! ઢાલ ઊંચી કરો! કારણ કે બાબિલ પર ચઢાઇ કરી તેનો વિનાશ કરવા યહોવાએ માદીઓના રાજાઓને કહ્યું છે. અનિષ્ટ આચરણ કરનાર મંદિરને અપવિત્ર કરનાર લોકો પર આ રીતે યહોવા વૈર વાળી રહ્યાં છે.
બાબિલની દીવાલો પર આક્રમણ કરવા માટે સંકેત આપો, સંરક્ષણ મજબૂત કરો અને ચોકિયાતોને શહેરની આસપાસ ગોઠવો. ઓચિંતો છાપો મારવા માટે છુપાઇને પડ્યા રહો, કારણ કે યહોવાએ જે કહ્યું છે તે સર્વ તે સંપૂર્ણ કરશે.
સૈન્યોનો દેવ યહોવાએ પોતાના નામના સમ ખાઇને પ્રતિજ્ઞા કરી છે કે, “હું તીડોના ટોળાંની જેમ ગણ્યા ગણાય નહિ તેટલા માણસોને તારી સામે લાવીશ અને તેઓ તારો પરાજય કરી વિજયનાદ કરશે.”
જ્યારે તે બોલે છે, ત્યારે આકાશમાં ગર્જના થાય છે. દુનિયાના દૂર દૂરના ખૂણેથી તે વાદળોને ઉપર ચઢાવે છે. તે વરસાદ લાવે છે અને સાથે વીજળી ચમકાવે છે, અનેે પવનને મોકલે છે.
તેમની સરખામણીમાં સર્વ માણસો મૂર્ખ છે, તેમને કશી ખબર નથી. દરેક પોતે બનાવેલી મૂર્તિ જોઇને લજ્જિત થાય છે, કારણ કે તે બધી મૂર્તિઓ તો ખોટી છે. પ્રાણ વગરની છે.
“પૃથ્વી પર ઝંડો ફરકાવો, બધી પ્રજાઓમાં રણશિંગડા ફૂંકાવો, બાબિલ સામે જેહાદ જગાવવાને પ્રજાને આહવાન આપો, અરારાટ, મિન્ની અને આશ્કેનાઝના રાજ્યોને તેની સામે લડવા બોલાવો, તેની સામે હુમલો લઇ જવાને સેનાપતિ નીમો. તીડોના ટોળાંની જેમ ઘોડેસવારોને ભેગા કરો.
તેની વિરુદ્ધ માદીઓના રાજાઓ વિરુદ્ધ, અને તેના અધિકારીઓ અને અમલદારો સાથે તે સર્વ દેશોના લોકો જે તે તેના રાજ્યનો ભાગ છે તેની વિરુદ્ધ લડાઇને માટે તૈયારી કર.
બાબિલના અતિ પરાક્રમી યોદ્ધાઓ હવે યુદ્ધ કરતા નથી. તેઓ કિલ્લાઓમાં ભરાઇ ગયા છે, તેઓ હિંમત હારી ગયા છે. અને સ્ત્રીઓ જેવા થઇ ગયા છે. આક્રમણ કરનારાઓએ તેઓનાં ઘરો બાળી નાખ્યા છે અને નગરના દરવાજાઓ તોડી નાખ્યાં છે.
ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવાના આ વચન છે: “બાબિલની સ્થિતી તો ઘઉ ઝૂડવાની ખળી જેવી છે જ્યાં ઘઉં ઝૂડવાના છે. થોડી વાર પછી ત્યાં લણણીની ઉપજને ધોકાવાનું શરું થશે.”
યરૂશાલેમ કહે છે, “બાબિલનો રાજા નબૂખાદરેસ્સાર મને ખાઇ ગયો છે, મને ચૂસી લીધો છે, તેણે મને ખાલી પ્યાલાની જેમ એક બાજુએ ફગાવી દીધું છે. તે મને એક અજગરની જેમ આખે આખું ગળી ગયો છે, અમારી સંપત્તિથી તેણે પોતાનું પેટ ભર્યું છે અને અમારા પોતાના શહેરમાંથી અમને હાંકી કાઢયા છે.”
જ્યારે તેઓ પોતાના દ્રાક્ષારસથી મસ્ત બનશે ત્યારે હું તેઓને માટે અલગ પ્રકારની ઉજાણી તૈયાર કરીશ, તેઓ બેભાન થઇને ભોંય પર પછડાય ત્યાં સુધી તેઓ પીયા જ કરે, એવું હું કરીશ. તેઓ સદાને માટે ઊંઘી જશે અને ફરીથી કદી જાગશે નહિ,” એમ યહોવા કહે છે.
યહોવા કહે છે, “હું બાબિલમાં બઆલ દેવને સજા કરીશ અને તે જે ગળી ગયો છે તે તેના મુખમાંથી પાછું કાઢીશ. પ્રજાઓ તેની પાસે આવશે નહિ અને તેની પૂજા કરશે નહિ. અને બાબિલની ફરતે આવેલી દીવાલો પડી જશે.
હા, સંહાર કરનારાઓ બાબિલ પર તૂટી પડ્યા છે; તેના યોદ્ધાઓ કેદ પકડાયા છે અને તેમનાં ધનુષ્ય તોડી પડાયા છે, યહોવા તે યહોવા છે જે દુષ્કૃત્યો માટે સજા કરે છે; તે પૂરો બદલો લેશે.”
સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હું તેના સરદારોને, જ્ઞાની માણસોને, રાજકર્તાઓને, કપ્તાનીઓને, તથા શૂરવીર યોદ્ધાઓને ચકચૂર કરીશ, તેઓ અનંત નિંદ્રામાં પોઢી જશે, ફરી કદી જાગશે જ નહિ.
બાબિલની મજબૂત દીવાલો ભોંયભેગી થઇ જશે, તેના ઊંચા દરવાજાને આગ ચાંપવામાં આવશે, જે બાંધવા માટે ઘણાં લોકોએ પોતાની જાતને ધસી નાખી હતી તે બધું ભસ્મ થઇ જશે, લોકોએ કરેલી બધી મહેનત ધૂળમાં મળી જશે.”
યહૂદિયાના રાજા સિદકિયાના શાસનના ચોથા વર્ષમાં જ્યારે તેની સાથે યહૂદિયાનો રાજા માહસેયાના પુત્ર નેરિયાનો પુત્ર સરાયા બાબિલ ગયો, ત્યારે જે સૂચનાઓ યમિર્યા પ્રબોધકે સરાયાને આપી તે આ: સરાયા તો લશ્કરનો અફસર હતો.