યહોવા કહે છે, “યરૂશાલેમની ગલીએ ગલી શોધી કાઢો, તમારી ચારેબાજુ જાતે જોઇ વળો, તેના ચોરા ચૌટા જોઇ વળો. ને જુઓ કે ન્યાયી તથા પ્રામાણિક એવો એક માણસ પણ તમને મળે છે! અને જો તમને એવો એક પણ માણસ મળે, તો હું યરૂશાલેમને માફ કરું.
હે યહોવા, તમે વિશ્વાસુપણું ચાહો છો. તમે તેઓને પ્રામાણિક બનાવવા પ્રયત્ન કર્યો. તમે તેઓને શિક્ષા કરી પણ તેઓ સુધર્યા નહિ. તમે તેઓને પાયમાલ કર્યા છતાં પોતાના પાપોથી પાછા ફરવા તેઓએ અસંમતિ દર્શાવી. અને પશ્ચાતાપ નહિ કરવાનો તેઓએ નિરધાર કર્યો છે. તેઓ પાષાણથી પણ વધુ કઠણ છે.
હું વડીલો પાસે તેમની સાથે વાત કરવા જઇશ, કારણ કે તેઓ યહોવા તરફનો માર્ગ જાણે છે અને જેઓ દેવના કાયદા જાણે છે, પણ તે લોકોએ દેવની ઝૂંસરી ભાંગી નાખી છે અને જોતરો તોડી નાખ્યાં છે.”
આથી જંગલમાંથી સિંહ આવી તેમને ભોંયભેગા કરી દેશે. વગડામાંથી વરૂ આવી તેઓને ફાડી ખાશે. તેમનાં શહેરો ફરતે ચિત્તો આંટા માર્યા કરશે; નગરની બહાર જનારા દરેકને તે ફાડી ખાશે, કારણ કે તેઓનાં પાપ અતિઘણાં અને મારી વિરુદ્ધ તેઓનું બંડ અતિ ભારે છે. અસંખ્ય વાર તેઓ દેવથી વિમુખ થયાં છે.
દેવે કહ્યું, “હું તેમને કંઇ રીતે માફી આપું? તમારા બાળકોએ મને છોડી દીધો છે અને મૂર્તિઓના નામે વચન આપ્યા છે. મેં તેમને તેમના પેટ ભરાય ત્યાં સુધી ખવડાવ્યું, પણ તેઓ વ્યભિચારી નીકળ્યાં. અને વેશ્યાઓનાં ઘરોમાં ભટકવા લાગ્યા.
જૂઠા પ્રબોધકો વાતોડિયા છે અને હવાભરેલા થેલા જેવા છે. તેઓને કોઇ સંદેશો મળ્યો નથી. તેઓ જે આપત્તિ વિષે કહે છે તે યહૂદિયા અને ઇસ્રાએલના લોકો પર નહિ આવે પરંતુ તેમના પોતાના પર ચોક્કસ આવશે!”
એથી સૈન્યોનો દેવ યહોવા તેમના પ્રબોધકોને કહે છે: “તમારી આ પ્રકારની વાતોને કારણે હું તમારા શબ્દોને અને ભવિષ્યવાણીને પ્રચંડ અગ્નિમાં ફેરવી નાખીશ અને બળતણના લાકડાની જેમ આ લોકોને હું ભસ્મ કરીશ.”
તેઓ તમારી ફસલ અને તમારો ખોરાક ખાઇ જશે. તેઓ તમારાં પુત્ર-પુત્રીને ભરખી જશે, તેઓ તમારાં ઘેટાં-બકરાંને અને ઢોરઢાંખરને ખાઇ જશે; તેઓ તમારી દ્રાક્ષાવાડીઓને અને ફળઝાડોને ખાઇ જશે; અને તમે જેના પર આધાર રાખો છો, તે તમારા કિલ્લેબંધ નગરોને તેઓ તોડી પાડશે.
અને યમિર્યા જ્યારે તમારા લોકો પૂછે, ‘શા માટે યહોવા આ શિક્ષા અમારા પર લાવ્યા છે?’ ત્યારે તમે કહેજો, ‘તમારા વતનમાં રહીને તમે યહોવાનો નકાર કર્યો અને અન્ય દેવોની પાછળ ભટકી ગયા. હવે તમે વિદેશીઓના દેશમાં તેઓની ગુલામગીરી કરશો.”‘
તેઓ હૃષ્ટપુષ્ટ અને તેજસ્વી થયા છે. તેઓનાં દુષ્ટ કાર્યોની કોઇ સીમા નથી. તેઓ અનાથોની બાબતે ન્યાય કરતા નથી, તેમને સમૃદ્ધ થવાની કોઇ તક આપતા નથી, અને તેઓ નિર્ધનોના હકોનું રક્ષણ કરતાં નથી.