ઇસ્રાએલના દેવ યહોવા મોઆબ વિષે આ પ્રમાણે કહે છે કે, “નબોનું આવી બન્યું! તે ભોંય ભેંગુ થઇ ગયું છે, કિર્યાથાઇમને લાંછન લાગ્યું છે, તે જીતાઇ ગયું છે. તેનો કિલ્લો તોડી પાડવામાં આવ્યો છે! હવે મોઆબનું ગૌરવ નથી રહ્યું!
મોઆબનું ગૌરવ હવે રહ્યું નથી, હેશ્બોનમાં મોઆબના શત્રુઓએ એના પતનની યોજના ઘડી છે. તેઓ કહે છે ‘ચાલો, આપણે એને રાષ્ટ તરીકે ભૂંસી નાખીએ.’ માદમેન નગરને પણ ચૂપ કરવામાં આવશે; શત્રુઓની તરવાર તારો પીછો કરશે.
યહોવાએ કહ્યું, “પ્રાચીનકાળથી મોઆબ પર આક્રમણો થયા નથી, ને તેને હેરાન કરવામાં આવ્યું નથી, તેનો દેશનિકાલ કરવામાં આવ્યો નથી, મોઆબ એવા દ્રાક્ષારસ જેવો છે કે જેને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડવામાં આવ્યો નથી. તેનો સ્વાદ જેવો ને તેવો રહ્યો છે, ને તેની સુગંધ બદલાઇ નથી. “
યહોવાએ કહ્યું છે કે, “આ લોકો મોઆબ શહેરને ખાલી કરી નાખશે જેમ લોકો દ્રાક્ષારસની બરણી ખાલી કરે છે. જેમ લોકો માટીના ઘડાના ટૂકડે ટૂકડા કરી નાખે છે તેમ તેના નગરોનો નાશ કરવામાં આવશે.”
હે દીબોનના લોકો, તમારા સન્માનજનક સ્થાન ઉપરથી નીચે ઊતરો અને ભોંય પર ધૂળમાં બેસો. કારણ કે મોઆબનો વિનાશ કરનાર આવી પહોંચ્યો છે. અને તેણે તમારા કિલ્લાઓનો નાશ કર્યો છે.
શું તેં ઇસ્રાએલની હાંસી કરી નહોતી? શું તેં તેઓને ચોરોની ટોળી માની નહોતી? હા, જ્યારે પણ તે તેમના વિષે વાત કરી છ,ે ત્યારે તેં તુચ્છકારથી તારુંડોકુ હલાવ્યુ છે.
દ્રાક્ષાવાડીઓથી ભરપૂર સિબ્માહના લોકો, હું યાઝેરના કરતાં પણ તમારા માટે વધુ વિલાપ કરું છું. કારણ કે વિનાશે તમારી ફેલાયેલી ડાળીઓને કાપી નાખી છે અને તમારી દ્રાક્ષાઓ તથા ઉનાળાનાં ફળોની ફસલને લઇ લીધી છે. તેણે તમને ઉજ્જડ કરી મૂક્યા છે!
મોઆબની રસાળ ભૂમિમાંથી ખુશી અને આનંદ અદ્રશ્ય થઇ ગયાં છે, દ્રાક્ષારસના કોલુમાંથી દ્રાક્ષારસ વહેતો નથી. દ્રાક્ષ ગૂંદતા ગૂંદતાં હવે કોઇ આનંદના પોકારો કરતું નથી.”
તેના બદલે બધી જગ્યાએથી; હેશ્બોનથી એલઆલેહ સુધી; સોઆરથી હોરોનાયિમ સુધી, અને ત્યાંથી એગ્લાથ શલી-શીયા સુધી ભય અને વેદનાના પોકારો સંભળાય છે. નિમ્રીમનાં પાણી પણ સુકાઇ ગયા છે.
જે કોઇ માણસ ભયનો માર્યો ભાગી જશે તે ખાડામાં પડશે, જે ખાડામાંથી ઊભો થઇને બહાર આવશે તે પકડાઇ જશે, મોઆબને સજા કરવાનો સમય આવશે ત્યારે તેણે આ બધાંનો સામનો કરવો પડશે.” આ યહોવાના વચન છે.
“નાસી ગયેલા અસહાય નિર્વાસિતો હેશ્બોનની છાયા તળે વિસામો લે છે, પણ હેશ્બોનમાંથી આગ ભભૂકી નીકળે છે. સીહોનના રાજમહેલમાંથી જવાળાઓ લપકારા મારે છે, અને એ તોફાનીઓની ભૂમિને, મોઆબના સીમાડા અને પર્વતોને ભરખી જાય છે.